Gujarat

“હર ઘર તિરંગા” કાર્યક્રમ નર્મદા જિલ્લો રાજપીપલા પોસ્ટ ઓફિસ દ્વારા નજીવા મુલ્યથી તિરંગાનું શરૂ કરાયેલું વિતરણ 

———
લોકોને પોસ્ટમેન મારફત રાષ્ટ્રધ્વજ ઘરબેઠા મળી રહે તે માટે પોસ્ટ ઓફિસ દ્વારા કરાયેલી ઓનલાઈન વ્યવસ્થા
———
                      ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી દેશભરમાં ‘હર ઘર તિરંગા’ ઉત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લામાં સરકાર દ્વારા નિયત કરેલા નજીવા મૂલ્યથી તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય આશય દેશની આન-બાન-શાન એવા રાષ્ટ્રધ્વજ માટે માન-સન્માન પ્રગટ કરવા તેમજ જન-જનમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો છે. જેને અનુલક્ષીને રાજપીપલા હેડ પોસ્ટ ઓફિસ દ્વારા પણ રાષ્ટ્રધ્વજનું રૂ.૨૫ જેટલા નજીવા મુલ્યથી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
                       રાજપીપલા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરશ્રી ઉમેદભાઈ એમ. તડવીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આયોજિત “હર ઘર તિરંગા” અભિયાનને આવકારતા જણાવ્યું હતું કે, આ અભિયાન રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે લોકોમાં એકતાની ભાવના જગાડવાનું પણ છે. આ અભિયાન અંતર્ગત રાજપીપલા હેડ પોસ્ટ ઓફિસમાં પણ તિરંગા ફાળવવામાં આવેલ છે અને અહીંથી તિરંગાનું રૂ. ૨૫ જેટલા નજીવા મુલ્યથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોને ઘર બેઠા તિરંગો મેળવવા માટે ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. ઓર્ડર મુજબ રાષ્ટ્રધ્વજ પોસ્ટમેન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વધુમાં શ્રી ઉમેદભાઈ તડવીએ પ્રજાજનોને ઘરે-ઘર, મહોલ્લા, દુકાનો સહિત દરેક સ્થળે તિરંગો લહેરાવીને વિશ્વને આપણી એકતાનો પરિચય આપી આ અભિયાનને સાર્થક  બનાવવા જાહેર અપીલ કરી હતી.
           “હર ઘર તિરંગા” અભિયાનને અનુલક્ષીને પોસ્ટ ઓફિસ રાજપીપલા ખાતે રાષ્ટ્રધ્વજ લેવા આવેલા ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કુલ વડીયા-રાજપીપલાના હિરબેન પંચોલી અને કોઠારા પ્રાથમિક શાળા નાંદોદના શિક્ષકશ્રી કૌશિકભાઈ માછીએ પણ આ પ્રસંગે જણાવ્યું કે, વિજ્ઞાપન અને અખબારોના માધ્યમથી માહિતી મળ્યા બાદ અમે પોસ્ટ ઓફિસ આવ્યા છીએ. અમે પણ અમારા પડોસીઓને આ બાબતે જાણ કરી હતી. શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલ બંને શિક્ષકોએ હર ઘર તિરંગા ઝુંબેશને સફળ બનાવવા માટે ઘરે-ઘર તિરંગો ફરકાવવા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી.
                       અત્યાર સુધી રાજપીપલા પોસ્ટ ઓફિસને (૩૦*૨૦ સે.મી.) ૫૦૦ તિરંગા ફાળવવામાં આવ્યા હતા. જેનું વિતરણ ટૂંક સમયમાં જ પૂર્ણ થયુ હતુ. જે બાદ પોસ્ટ ઓફિસ દ્વારા ફરી રાષ્ટ્રધ્વજનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. રાજપીપલા પોસ્ટ ઓફિસ ન જવા માંગતા લોકો માટે https://www.epostoffice.gov.in/ પરથી રાષ્ટ્રધ્વજને ઓનલાઈન ઓર્ડર કરી પોસ્ટમેન દ્વારા ઘરબેઠા મેળવી શકાશે.

IMG-20220807-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *