Gujarat

હોટલો-રેસ્ટોરા, બસોમાં પેસેન્જરોમાં મોટી રાહતો મળી શકે છે

ગાંધીનગર
રાજ્યમાં કોરોના દૈનિક કેસો ૧ હજારની નીચે આવી ગયા છે અને એક્ટિવ કેસોમાં પણ મોટે પાયે ઘટાડો થયો છે. બીજી તરફ, રસીકરણ પણ ૧૦ કરોડ ડોઝને પાર થઇ ગયું છે ત્યારે વધારાનાં તમામ નિયંત્રણો દૂર થઇ શકે છે. સરકાર દ્વારા પ્રાથમિક સ્કૂલો બાદ બાલમંદિર અને કેજીની સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપી છે. હવે વ્યાપારિક ગતિવિધિઓ અને અન્ય નિયંત્રણો પણ દૂર થશે. હોટલ- રેસ્ટોરન્ટ હાલ ૭૫ ટકા ક્ષમતા સાથે મંજૂરી અપાઇ છે, એ દૂર કરીને ૧૦૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી અપાય એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. આ જ રીતે બસોમાં મુસાફરોની હાલની ૭૫ ટકાની મર્યાદા દૂર થશે. સિનેમા હોલ, જિમ, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, લાઇબ્રેરી, કોચિંગ સેન્ટરો, ઓડિટોરિયમ અને મનોરંજક સ્થળોએ પણ હાલ ૫૦ ટકાની મર્યાદા છે, એ દૂર કરવામાં આવે એવી શક્યતા છે.કેન્દ્ર સરકારે લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકારો પોતાની રીતે સમીક્ષા કરીને વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવા કરી શકે છે, પરંતુ કોરોનાના દૈનિક કેસો પર રોજેરોજ મોનિટરિંગ કરવાનું રહેશે અને જાે સંક્રમણનો ગ્રાફ વધતો જણાય તો ફરી નિયંત્રણો લાગુ કરવા અંગે વિચારણા કરવાની રહેશે. રાજ્ય સરકારે ગત અઠવાડિયે વધારાનાં ૧૯ શહેરમાંથી રાત્રિ કર્ફ્‌યૂ હટાવવામાં આવ્યો છે, જ્યારે હાલ માત્ર ૮ મહાનગરમાં રાત્રે ૧૨થી ૫ વાગ્યા સુધી કર્ફ્‌યૂ યથાવત્‌ છે, જેની સમીક્ષા થશે, પરંતુ હાલ કર્ફ્‌યૂ ઉઠાવી લેવાય તેવી શક્યતા ઓછી છે. દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી કેન્દ્ર સરકારે સંક્રમણનો ફેલાવો રોકવા માટે રાજ્યોમાં લાગુ કરાયેલાં વધારાનાં નિયંત્રણો દૂર કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણે આ સંદર્ભે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે દેશમાં ગત ૨૧ જાન્યુઆરીથી નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગત સપ્તાહે સરેરાશ દૈનિક ૫૦,૪૭૬ કેસ આવતા હતા. ગત ૨૪ કલાકમાં ૨૭,૪૦૯ નવા કેસ આવ્યા છે. ડેઇલી પોઝિટિવિટી રેટ ૧૫ ફેબ્રુઆરીએ ઘટીને ૩.૬૩% થઈ ગઈ છે. રાજ્યમાં બુધવારે કોરોનાના નવા ૮૮૪ કેસ નોંધાયા છે તથા વધુ ૧૩ દર્દીનાં મોત નીપજ્યાં છે. આ સાથે કુલ સત્તાવાર કેસ વધીને ૧૨,૧૮,૨૧૨ તથા કુલ મોત ૧૦,૮૫૧ થયા છે. નવા કેસ કરતાં ત્રણ ગણા વધુ એટલે કે ૨,૬૮૮ દર્દી સાજા થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ ૩૧૭ કેસ નોંધાયા હતા, જ્યારે વડોદરામાં ૨૦૨, સુરતમાં ૫૩, ગાંધીનગરમાં ૪૨ અને રાજકોટમાં ૨૯ કેસ નોંધાયા હતા. વડોદરામાં સૌથી વધુ ૬ દર્દીનાં મોત થયાં હતાં.ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણમાં મોટે પાયે ઘટાડો થયો છે ત્યારે રાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોવિડ કેસોમાં ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકારો પોતાની રીતે સમીક્ષા કરીને વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરી શકે છે તેવી ભલામણ કરી છે, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવાની કવાયત હાથ ધરી છે. રાજ્ય સરકારની હાલની ગાઇડલાઇન્સ ૧૮મીએ પૂર્ણ થઇ રહી છે ત્યારે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકાર નવી ગાઇડલાઇન્સ જારી કરશે. માસ્કનો દંડ દૂર કરવા અંગે પણ ચર્ચા થાય એવી શક્યતા છે.

100-discount-on-hotel-restaurant.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *