રિપોર્ટર- મકસુદ કારીગર,કઠલાલ
ગંગા સ્વરૂપા મહિલાઓને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર માસે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ માસીક રૂ. ૧,૨૫૦/- સહાય આપવામાં આવે છે. જેનુ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અમલીકરણ થઈ રહેલ છે જેથી નિરાધાર ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક સહાય મળવાથી તેમને આર્થિક સહકાર મળી રહે છે અને જીવન ધોરણમાં સુધારો થઈ સ્વમાનભેર જીવી શકે છે.
મહિલા અને બાળ અધિકારીની કચેરી, નડિયાદ, જિ. ખેડા તથા પ્રાદેશિક કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે જણાવ્યા અનુસાર ખેડા જિલ્લાના ૧૦ તાલુકાના કુલ ૫૯,૧૬૬ ગંગા સ્વરૂપા મહિલાઓને જાન્યુઆરી- ફેબ્રુઆરી – ૨૦૨૨ના માસની સહાય એરીયર્સ સાથે રૂ. ૧૫.૨૭ કરોડની સહાય ડીબીટી મારફત સીધા જ તેમના ખાતામાં જમા કરવામાં આવેલ છે. આ ઉપરાંત કોઈ કારણોસર તેમની સહાયમાં વિલંબ થયેલ હોય તેવા ૨,૦૨૬ લાભાર્થીઓને મામલતદારની કચેરીઓ દ્વારા શોધી કાઢી તેમની બાકી સહાયની રકમ રૂ. ૨.૩૧ કરોડ પણ સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવનાર છે. આમ, જીલ્લામાં ફેબ્રુઆરી -૨૦૨૨માં ૫૯,૧૬૬ ગંગા સ્વરૂપા બેહનોને રૂ.૧૭.૫૮ કરોડની સહાય ડીબીટી દ્વારા સીધા તેમના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે. જે સરકારશ્રીની ગંગા સ્વરુપા બહેનો અંગેની પ્રતિબધ્ધતા દર્શાવે છે.