Gujarat

૩૧મી, મેના રોજ યોજાનારા પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમને અનુલક્ષીને બેઠક યોજાઇ

 

આગામી તા. ૩૧મી, મેના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સિમલા ખાતે યોજાનારા તેમના કાર્યક્રમના જીવંત પ્રસારણના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ આ કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવશે.

તા. ૩૧મી, મેના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ફતેપુરા ખાતે આવેલા સ્વામીનારાયણ સત્સંગ હોલમાં રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમનું આગોતરૂં આયોજન સચારૂ રીતે થાય એ માટે જિલ્લા કલેકટર . સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન કાર્યક્રમને અનુલક્ષીને કરવાની થતી તૈયારીઓ અંગે જિલ્લા કલેકટરે વિગતે છણાવટ કરી હતી. કાર્યક્રમનું આયોજન સુપેરે થાય અને કાર્યક્રમ સરળતાથી પાર પડે એ માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સાંકળી વિવિધ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરે દરેક સમિતિએ કરવાની કામગીરી અંગે વિગતે જાણકારી આપી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમિયાન કાર્યક્રમના સ્થળે કરવાની થતી કામગીરી અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આવનારી જનમેદની માટે યોગ્ય બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા તથા પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે થાય તે જરૂરી છે એમ જણાવી તેમણે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌ નિહાળી શકે એ માટેની વ્યવસ્થા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત લાભાર્થીઓને લાવવા-લઇ જવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *