મહેસાણા
મહેસાણા પાલિકામાં ૩૧મી માર્ચ સુધીમાં પાલિકામાં બાકીદારો તેમનો બાકીનો વેરો ભરી દે તો તેમને વ્યાજ અને પેનલ્ટીમાંથી મુક્તિ મળશે તેવો મોટો ર્નિણય પાલિકા દ્વારા જાહેર કરાયો છે. અત્યારે આ ર્નિણયથી મહેસાણા શહેરના ૪૦૦૦ મિલકત ધારક બાકીદારોને અંદાજે રૂપિયા ૮.૫૦ કરોડનો ફાયદો થશે તેમ જાણવા મળ્યું છે. મહેસાણા નગરપાલિકાને રૂપિયા ૨૭ કરોડ જેટલો જૂનો મિલકતવેરો બાકી છે અને તેની ઉઘરાણી થતી ન હોઈ તાજેતરમાં જ પાલિકાએ તેનો કોન્ટ્રેક્ટ આપવા ટેન્ડર પ્રક્રિયા કરી હતી. બીજી બાજુ સંખ્યાબંધ મિલકત ધારકોને પોતાની બાકી વેરો ભરપાઇ કરી દેવો હોઈ પરંતુ પેનલ્ટી અને વ્યાજના બોજને કારણે તેઓ ભરતા ન હતા. જેને લઈને પ્રમુખ વર્ષાબેન પટેલ અને કારોબારી ચેરમેને કૌશિક વ્યાસે આ મુદ્દે શહેરી વિકાસ વિભાગમાં અને મુખ્યમંત્રી સહિતના વ્યાજ અને તેની માફી યોજના અમલી કરવા રજૂઆત કરી હતી. જેથી પાલિકાઓ કરોડો રૂપિયાનો બાકી વેરો વસુલ કરી શકે. રજૂઆતને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી દ્વારા નગરપાલિકાઓના બાકીદારો માટે ૩૧મી માર્ચ સુધીમાં વેરાની ભરપાઇ કરે તો વ્યાજ અને પેનલ્ટીમાંથી મુક્તિની જાહેરાત કરવામાં આવી છે. જેના પરિણામે મહેસાણા પાલિકાના ચાર હજાર જેટલા બાકીદારોને રૂપિયા ૮.૫૦ કરોડનો ફાયદો થશે.
