નડિયાદ
મૂળ કર્ણાટકના અને હાલ મુંબઈના મલાડ ખાતે રહેતા મહેબૂબ રૂકમોદીન ગકુરશાબ જમાદાર પાસે બે ટ્રેલર વાહનો છે. જે પૈકી એક ટ્રેલર નંબર (એનએલ ૦૨ ક્યુ ૮૭૭૫) તેમના કાકાના દીકરા નામે નોંધાયેલી છે. જે ટ્રેલર પર ચાલક તરીકે સુરેશ ઉર્ફે સૂર્યો ઉર્ફે મારવાડી અમીરચંદ પુરોહિત (રહે. જુના ડીસા, પાટણ રોડ, જીવન જ્યોત સોસાયટી તા. પાલનપુર જિ. બનાસકાંઠા) કામ કરે છે. ઉપરોક્ત ટ્રેલર લઈને સુરેશ ઉર્ફે સૂર્યો ગત ૨૮મી ફેબ્રુઆરના રોજ તામિલનાડુથી સદગુરુ ટ્રાન્સપોર્ટ મારફતે સ્ટેચર મટીરીયલ ભરીને સિંગરોલી મધ્યપ્રદેશ ખાતે ખાલી કરવા નીકળ્યો હતો. ગત ૮મી માર્ચના રોજ મધ્યપ્રદેશના બરગાંવ સિંગરોલી ખાતે આ માલ પહોંચાડી ત્યાંના ટ્રાન્સપોર્ટમાંથી જુના ટાયરો ભરી જબલપુર ખાતે ખાલી કરવાના હતા. પરંતુ હાલ ટ્રાન્સપોર્ટમાં માલ ન હોવાને કારણે ત્રણ ચાર દિવસ ત્યાં રોકાઈ જવા સુરેશને તેના માલિકે જણાવ્યું હતું. ત્યાંની બરગાંવ ખાતેની સિંગરોડ લાઈન્સ મારફતે એલ્યુમિનિયમની કોઈલ ભરવાની છે અને સેલવાસ, દાદરા નગર હવેલી ખાતે ખાલી કરવાની છે. જે માટે એક ટનના ૨૭૦૦ રૂ. લેખે ભાડું આપવાની વાત થઈ છે. જે માટેની વાતચીત પણ ચાલકે કરાવી હતી?. દરમિયાન ૧૩મી માર્ચે સાંજના સુમારે લગભગ ૨૨ ટન એલ્યુમિનિયમની કોઈલ કિંમત રૂપિયા ૬૮.૪૮ લાખ ટ્રેલરમાં લોડ કરી ચાલક નક્કી કરેલી જગ્યાએ જવા રવાના થયો હતો. બીજી બાજુ ટ્રેલર માલિક મહેબૂબ જમાદાર પોતે પોતાના મોબાઈલના જીપીએસ દ્વારા સતત ટ્રેલરની દેખરેખ રાખતા હતા. ૧૮મી માર્ચે એકાએક જીપીએસ સિસ્ટમનું લોકેશન બંધ થયું હતું. જાે કે ચાલકનો સંપર્ક સતત રહેતા જીપીએસ વાયર કપાઈ ગયો હશે અથવા તો બેટરી ઊતરી ગઈ હશે એમ તેમણે માન્યું હતું. આથી ટ્રેલર માલિકે ટ્રેલર ચાલકને જણાવ્યું હતું કે જ્યાં હોય ત્યાં ઉભો રહે અહીંથી કોઈ વ્યવસ્થા કરું છું. જાે કે તે બાદ ચાલક સુરેશ ઉર્ફે સૂર્યો ઉર્ફે મારવાડીનો ફોન સ્વીચ ઓફ બોલતો હતો. ૧૯મી માર્ચે ટ્રેલર માલિક જાતે જ્યાં છેલ્લું લોકેશન મળેલું તે વડોદરાના સાવલી હેમાણી ચોકડી પાસે તથા વાપી, ભરૂચ પાસેની હોટલોમાં તપાસ આદરી હતી. પરંતુ ટ્રેલરનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. આ સમયે તેમનુ ઉપરોક્ત ટ્રેલર વાહન કઠલાલના પિઠાઈ ટોલ પ્લાઝા નજીક બિનવારસી હાલતમાં પડેલું હોવાની માહિતી મળી હતી. તેથી મહેબૂબ રૂકમોદીન ગકુરશાબ જમાદાર અહીંયા આવી પહોંચ્યા હતા. ઉપરોક્ત વાહન તો મળી આવ્યું હતું પરંતુ આ ટ્રેલરની અંદર લોડ? કરેલો સામાન નહોતો મળી આવ્યો. સાથે સાથે ચાલકનો પણ કોઈ અતોપતો નહોતો. ટ્રેલર માલિક મહેબૂબ રૂકમોદીન ગકુરશાબ જમાદારે ચાલકના ફોન ઉપર ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ બોલતો હતો. જેના બાદ ટ્રેલર માલિકે લોડ કરેલી કંપનીના મેનેજર સહિત અધિકારીઓને જાણ કરી હતી. જેથી તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કંપનીની એલ્યુમિનિયમની કોઈલ ૨૨ હજાર ૧૨૩ કિલો (૨૨ ટન) જેની કિંમત રૂપિયા ૬૮ લાખ ૪૮ હજાર ૬૮૨ જે નહી પહોંચાડતા માલિક મહેબૂબ રૂકમોદીન ગકુરશાબ જમાદારે ટ્રેલર ચાલક સુરેશ ઉર્ફે સૂર્યો ઉર્ફે મારવાડી અમીરચંદ પુરોહિત સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.મધ્યપ્રદેશના બરગાંવ ખાતેથી એલ્યુમિનિયમની કોઈલનો જથ્થો ટ્રેલરમાં ભરી દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે ડીલીવરી કરવા જઈ રહેલું ટ્રેલર ખેડા જિલ્લાના કઠલાલના પીઠાઈ ટોલ પ્લાઝાના નજીકથી બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર જાગી છે. આ ટ્રેલરમાં ભરેલો ૨૨ ટન એલ્યુમિનિયમની કોઈલનો રૂપિયા ૬૮.૪૮ લાખનો મુદ્દામાલ ગાયબ થયો છે. સાથે સાથે ટ્રેલર ચાલકની પણ કોઈ ભાળ ન મળતા આ મામલે ટ્રેલર માલિકે ટ્રેલર ચાલક સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.


