કડી
વિરમગામ તાલુકાના દેવપુરા ગામના વતની વાસુદેવભાઈ લવજીભાઈ પટેલે અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. સબમર્સિબલ બાદ બિલ્ડરના વ્યવસાય સાથે જાેડાયા હતા. પરિવારને આર્થિક રીતે સધ્ધર બનાવી છેલ્લા ૨૦ વર્ષથી પોતે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જાેડાઈ ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ તેમજ સ્વામિનારાયણ સંસ્થામાં સેવાકાર્યો કરી રહ્યા હતા. ખાખરિયા ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ કેળવણી મંડળ અમદાવાદની સ્થાપના કર્યા બાદ કડીમાં સમાજ પ્રેરિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે ધૂરા સંભાળી વિદ્યાર્થીઓમાં પ્રેમ સંપાદન કરી વાસુદાદાના હુલામણા નામથી આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના દિલમાં તેમની યાદો રહી ગઈ. સામાજિક અને ધાર્મિક કુનેહ સાથે સમાજ ઉત્થાનના કાર્યો થકી પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. કડીના સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યાના ૧૭ વર્ષના શાસનકાળમાં ૧૯ બિલ્ડિંગો ઉભી કરી બાલમંદિરથી લઇ કોલેજ સુધીના અભ્યાસક્રમો શરૂ કરી દીકરા- દીકરીઓને શિક્ષિત બનાવી પગભર બનાવવામાં મહત્વનું યોગદાન વાસુદાદાએ આપ્યું છે. પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે એક માસ અગાઉ જ નિમણૂંક કરાઈ હતી. અમદાવાદ સોલા ખાતે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધીન ઉમિયાધામના નિર્માણ કાર્યમાં પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં ૨૦ દિવસ અગાઉ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ અગાઉ ૮૦ વર્ષની ઉંમરે કોરોનાને હંફાવનાર વાસુદેવભાઈ પટેલ સોમવારે સવારે મોત સામે હારી ગયા હતા.ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ અને ઝાલાવાડી સમાજના અગ્રણી વાસુદેવભાઈ પટેલે ૮૦ વર્ષે કોરોનાને હરાવ્યો પણ ઈન્ટર ઓર્ગન ડેમેજ હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થતાં સમાજમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. મૃત્યુના સમાચાર જાણવા મળતાં જ તેમના અમદાવાદ સ્થિત નિવાસે અંતિમ દર્શને મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અગ્રણીઓ ઊમટી પડ્યા હતા.
