માય લિવેબલ ભરૂચ અભિયાન હેઠળ યોજાયેલી મેરેથોનમાં 21 કીમીની કેટેગરીમાં દિવ્યેશ રાણા વિજેતા બન્યાં છે. આ મેરેથોન તેમણે એક કલાક અને 25 મિનિટમાં પુર્ણ કરી હતી. માય લિવેબલ ભરૂચ હેઠળ ફન સ્ટ્રીટ બાદ રવિવારે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 5.30 કલાકે એમ.કે.કોમર્સ કોલેજ ખાતેથી દોડવીરોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચની ઓફિશિયલ હાફ મેરેથોન રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ મેરેથોન માટે કવોલિફાયર મેરેથોન રહી છે. કેટેગરી વાઈઝ 3,૫,૧૦ અને ૨૧ કીલોમીટરનીમેરેથોન યોજાઈ હતી. ભરૂચ ઉપરાંત અન્ય શહેરો અને રાજયોમાંથી પણ દોડવીરો મેરેથોનમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં.
મેરેથોનના વિજેતા દિવ્યેશ રાણાને ધારાસભ્ય દુષ્યંત પટેલ, એસપી ડૉ.લીના પાટીલ સહિતના મહેમાનોના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. દિવ્યેશે 21 કીમીનું અંતર કાપવા માટે 1 કલાક અને 25 મિનિટનો સમય લીધો હતો. તે મુળ ભરૂચનો વતની છે પણ છ મહિનાથી કેન્યા ખાતે રહે છે. ભરૂચ મેરેથોનમાં ભાગ લેવા તે ખાસ ભરૂચ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મેરેથોનમાં 2,200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 21 કીમી અને 10 કીમીની કેટેગરીમાં દોડ પુર્ણ કરવા માટે મહિલાઓએ પુરૂષો કરતાં બમણો સમય લીધો હતો.


