અંકલેશ્વર
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ત્રિકાલ ઇલેક્ટ્રીક શ્ રિવાઇન્ડીંગ વર્કસની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ૫ એચપીની ૨૦ નંગ મોટરની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ બનાવની જાણ દુકાન માલિકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે કરતા પોલીસે રૂ. ૮૦ હજારની મોટર ચોરીની ફરિયાદ નોંધીને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પરેશ લાલજીભાઈ રાદરિયાની ગીરીરાજ હોટલની પાછળ ભાડેથી ત્રિકાલ ઇલેક્ટ્રીક શ્ રિવાઇન્ડીંગ વર્કસ નામની દુકાન ચલાવે છે. ૧૭મી સપ્ટેમ્બરના રોજ તેઓ સાંજના દુકાન બંધ કરી લોક મારી ઘરે ગયા હતા. આ સમય દરમિયાન તસ્કરો તેમના ગોડાઉનના પાછળના ભાગે લોખંડની ગ્રીલનો સળીયો કાપી ગોડાઉનમાં ત્રાટકીને અંદર મુકેલી ૫ એચપીની ઈમ્પોર્ટેડ ૨૦ મોટરની ચોરી કરીને લઈ ગયા હતા. જ્યારે બીજા દિવસે ૧૮ મી સપ્ટેમ્બરના રોજ પરેશ રાંદેરીયા સવારના આશરે નવેક વાગે દુકાન ખોલીને સાફ સફાઈ કરતા ગોડાઉનના દુકાનમાં રાખેલી મોટરની ગણતરી કરતા ૫ એચ.પી ઇમ્પોર્ટેડ કંપનીની કુલ – ૩૯ મોટરની ખરીદી કરેલી હતી. જેમાંથી ૧૯ મોટરનું વેચાણ થયું હતું. જ્યારે ૨૦ નંગ ૫ એચ.પી ઇમ્પોટેડ કંપનીની મોટર ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે તેમણે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે મોટર ચોરીની ફરિયાદ કરવા જતાં પોલીસે એક મોટરની કિ. રૂ. ૪ હજાર લેખે ૨૦ મોટરની કિ. રૂ. ૮૦ હજારની ચોરીની ફરિયાદ નોંધીને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.


