ગાંધીનગર
ગાંધીનગરના કલોલમાં પતિના શંકાશીલ સ્વાભાવના કારણે ઘર સંસારમાં ભંગાણ પડયું છે. આજથી પાંચ વર્ષ અગાઉ સામાજિક રીતે લગ્ન કરીને પરિણીતા પતિ સાથે સાસરીમાં રહેવા માટે આવી હતી. શરૂઆતમાં દાંપત્ય જીવન સુખમય રીતે પસાર થતાં પરિણીતાને હાલમાં ૧૩ મહિનાનો દીકરો પણ છે. પરંતુ સમય જતાં પતિ નાની નાની બાબતોમાં શંકા કુશંકા રાખી પત્ની સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. પિયરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પરિણીતાએ માતા પિતાને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પતિ એક દિવસ શંકાશીલ સ્વભાવ છોડી દેશે એમ માનીને બધો ત્રાસ સહન કર્યા કરતી હતી. પરંતુ પતિ દિવસેને દિવસે વધુ શંકાશીલ બનતો ગયો હતો. પરિણીતા આડોશ પાડોશમાં કોઈની સાથે વાત કરે તો પણ પતિ અવૈધ સંબંધો હોવાનો વહેમ રાખી મારઝૂડ કર્યા કરતો હતો. જેથી પરિણીતાએ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. એવામાં બે દિવસ પહેલા પરિણીતાના મોબાઇલ ફોનમાં કોઈ અજાણ્યા માણસનો રોંગ નંબર આવ્યો હતો. જેની જાણ પતિને થઈ ગઈ હતી. અને તેણે અજાણ્યા માણસ સાથે લફરું હોવાનું કહીને ફરીવાર મારઝૂડ કરી હતી. કલાકો સુધી પરિણીતાએ અનેક ખુલાસા કર્યા હતા. પરંતુ પતિના મગજમાંથી શંકાનો કીડો કાઢી શકી ન હતી. અને પતિએ ૧૩ મહિનાના દીકરાને છીનવી લઈને પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે પરિણીતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરીને દીકરાને પરત અપાવવા માટે વિનંતી કરી હતી. જેનાં પગલે અભયમની ટીમ પરિણીતાને લઈને પતિ પાસે પહોંચી હતી. જેનું કલાકો સુધી કાઉન્સિલિંગ કર્યા પછી પતિનાં મગજમાંથી શકનો કીડો દૂર થયો હતો. અને તેણે દીકરાને પત્નીને સોંપીને પોતાની ભૂલ સ્વીકારી હતી. આમ ૧૮૧ અભયમની ટીમે વધુ એકવાર સરાહનીય કામગીરી કરીને દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવી આપ્યું છે.ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં રહેતાં શંકાશીલ સ્વભાવના પતિએ મોબાઈલમાં અજાણ્યા માણસનો રોંગ નંબર આવતાં પત્નીને લફરું હોવાનું માની લઈ પિત્તો ગુમાવી દીધો હતો. પત્નીએ ઘણાં ખુલાસા કર્યા છતાં પતિનાં મગજમાંથી શંકાનું ભૂત નીકળ્યું ન હતું. આખરે પતિએ ૧૩ મહિનાના દીકરાને છીનવી લઈ પત્નીને તરછોડી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે.

