વડોદરા
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી ક્રિષ્ણા (નામ બદલ્યું છે) ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર કારેલીબાગમાં રહેતા અમિત (નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઇ હતી. ઈન્સ્ટાગ્રામ દ્વારા સામાન્ય વાતચીત ગાઢ મિત્રતામાં ફેરવાઇ હતી. લાંબા સમય સુધી ચાલેલી મિત્રતા દરમિયાન અમિતે ક્રિષ્ણા સાથે ફોટો પાડી લીધા હતા. આ ઉપરાંત ફોન પર જે કોઇ વાતચીત થાય એનું રેકોર્ડિંગ પોતાના મોબાઇલ ફોનમાં કરી રાખ્યું હતું. ક્રિષ્ણા આ બાબતથી અજાણ હતી. સમય જતાં અમિતે ક્રિષ્ણાને મેસેજ કરીને શારીરિક સંબંધ માટે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. તેની દાનત ખરાબ હોવાનું જણાઇ આવતાં અને અવારનવાર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતાં વિદ્યાર્થિનીએ તેની સાથે સંબંધ કાપી નાખ્યા હતા. જેથી રોષે ભરાયેલા અમિતે ક્રિષ્ણાને જણાવ્યું હતું કે સાંજે મળવા નહીં આવે તો વાંધાજનક ફોટો તેમજ આપણી થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા અને તારા પરિવારને મોકલી આપીશ, એવી ધમકી આપી હતી. દરમિયાન અમિતની ધમકીથી ગભરાઇ ગયેલી વિદ્યાર્થિનીએ અભયમનો સંપર્ક સાધ્યો હતો. ૧૮૧ ટીમને ક્રિષ્ણાએ રડમસ અવાજે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે મારો મિત્ર અમિત મારા ફોટો અને રેકોર્ડિંગ વાઇરલ કરશે તો મારે આપઘાત કરવો પડશે અને મારા પરિવારની બદનામી થશે. મારી ભૂલ થઈ કે મેં તેની સાથે ફોટા પડાવ્યા હતા, પરંતુ તેની સાથે શારીરિક સંબંધ રાખવા માગતી નથી. આ મુશ્કેલીમાં મદદરૂપ બનવા વિનંતી કરી હતી. અભયમ ટીમે ક્રિષ્ણાને તેના મિત્ર અમિતથી છુટકારો અપાવવા માટે ક્રિષ્ણાની મદદ લઇ છટકું ગોઠવ્યું હતું. અભયમ ટીમે ક્રિષ્ણાને જણાવ્યું, અમિત સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરાવીને દીપિકા ગાર્ડનમાં મળવા બોલાવ. અભયમ ટીમની સૂચના મુજબ ક્રિષ્ણાએ અમિતને ગાર્ડનમાં બોલાવ્યો હતો અને તે આવતાં ક્રિષ્ણાને ગાર્ડનમાં મોકલી. અમિત સાથે વાતચીત કરવામાં વ્યસ્ત રહેવા જણાવ્યું હતું. દરમિયાન વોચમાં ગોઠવાયેલી અભયમ ટીમે મોકો જાેઈને અમિતને ઝડપી પાડ્યો હતો. મિત્ર બનીને શારીરિક સંબંધ માટે દબાણ કરવું અને ફોટો વાઇરલ કરવા એ ગુનો બને છે, તેને સજા થશે. જાેકે ક્રિષ્ણાએ અભયમ ટીમને વિનંતી કરી કે મારે આગળ કોઈ જ કાર્યવાહી કરવી નથી. મારા પરિવારને જાણ થશે તો મારો અભ્યાસ છોડાવી દેશે. મારું જીવન બગડી જશે, જેથી અભયમ ટીમે અમિતના મોબાઇલ ફોન અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરીને તમામ અશ્લીલ ફોટા, કોલ મેસેજ, ચેટ તમામ તેના પરિવારને બતાવી ડિલિટ કરાવ્યું હતું. અમિત તથા તેના પરિવારને હવે પછી ક્રિષ્ણાની કોઇપણ પ્રકારની હેરાનગતિ નહીં કરવી એવી કડક સૂચના આપી હતી. અભયમ ટીમ દ્વારા આપવામાં આવેલી કડક સૂચના બાદ અમિતે પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી કોઇ હેરાનગતિ નહીં કરું. એવી લેખિત ખાતરી આપતાં ક્રિષ્ણાની ઈચ્છા મુજબ સમાધાન કરાવવામાં આવ્યું હતું. અભયમ ટીમે અમિતને સૂચના આપવા સાથે ક્રિષ્ણાને પણ ઠપકો આપતાં જણાવ્યું હતું કે હવે પછી મિત્રતા રાખવામાં કાળજી લેવી. ક્યારેક નિર્દોષ મિત્રતા ગંભીર પરિણામ પણ લાવી શકે છે. આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે, જેનો વિચાર્યા વગરનો ઉપયોગ ભવિષ્યમાં હાનિકારક સાબિત થઇ શકે છે.વડોદરા શહેરમાં સોશિયલ મીડિયાના પર થયેલી મિત્રતાએ વિદ્યાર્થિનીને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. સોશિયલ મીડિયામાં બનેલા મિત્રએ બ્લેકમેઇલ કરીને વિદ્યાર્થિનીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. છેવટે વિદ્યાર્થિનીએ ૧૮૧ અભયમ ટીમની મદદ લીધી હતી. અભયમની ટીમે ગાર્ડનમાં બોલાવીને યુવાનને ઝડપી પાડ્યો હતો અને કિશોરીને ચિંતામુક્ત કરી હતી. અભયમ રેસ્ક્યૂ ટીમે યુવાનના મોબાઇલમાંથી વિદ્યાર્થિની સાથેના ફોટો તેમજ કોલ રેકોર્ડિંગ ડિલિટ કરાવી દીધા હતા અને યુવાનના માતા-પિતાને બોલાવીને માફીપત્ર લખાવી લીધો હતો.


