અમદાવાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ૧૮૧ અભયમ ટીમને ફોન કરીને કહ્યું કે, તેનો પરિવાર અભ્યાસ છોડાવી જબરદસ્તીથી લગ્ન કરાવવા માગે છે. કોલ મળતાની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી દીકરીની પૂછપરછ શરૂ કરી હતી. કાઉન્સેલિંગ દરમિયાન દીકરીએ જણાવ્યું હતું કે, તે માતા, ભાઈ અને ભાભી સાથે રહે છે. પિતા હયાત નથી. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્યારે પરિવારની મરજી વિરુદ્ધ અયોગ્ય પગલું ભર્યુ હોવાથી પરિવારે દસ મહિનાથી અભ્યાસ છોડાવી ઘરે બેસાડી દીધી હતી. દીકરીને પોતાની ભૂલ સમજાઈ હોય અને અવારનવાર પરિવારની માફી માગી ફરી અભ્યાસ કરવા દેવા આજીજી કરતી હતી. તેમ છતાં પરિવાર તેના અભ્યાસ માટે રાજી થતો ન હતો. એટલું જ નહીં અભ્યાસ માટેની વાત કરી ત્યારે માતા અને ભાઈએ દીકરીને અઠવાડિયા સુધી ઘરમાં પૂરી રાખી હતી અને જમવાનું પણ આપ્યું ન હતુ. આ ઉપરાંત મારપીટ કરી મારા પેટે પથ્થર જન્મ્યો હોત તો સારુ તેમ કહી ત્રાસ આપીને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપતા હતા. થોડા દિવસ પહેલાં ભાઈ અને મમ્મીએ ગળુ દબાવી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને ૧૦ દિવસમાં જ લગ્ન કરાવી દેવાનું કહેતા હતા. અભયમની ટીમે પરિવારનું કાઉન્સિલિંગ કર્યું હતું અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અભ્યાસનું મહત્વ સમજાવ્યું હતું. દીકરી પર અત્યાચાર ગુજારવાથી ગુનો દાખલ થશે. તેમજ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત દીકરીને ભણવાનો અધિકાર છે તેની સમજ આપી હતી. દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેમના પરિવારે જણાવ્યું કે અમે સાથે રહી દીકરીને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા અપાવીશું, તેનો બાકીનો અભ્યાસ પૂર્ણ કરાવીશું. જ્યાં સુધી દીકરી નહીં કહે ત્યાં સુધી તેના લગ્ન કરાવીશું નહીં. તે અંગે લેખિત બાહેધરી આપી હતી.અમદાવાદમાં અભયમ મહિલા હેલ્પલાઈનમાં પ્રેમલગ્ન અને પારિવારિક ત્રાસની ફરિયાદો વધી રહી છે. શહેરમાં એક પરિવારમાં દીકરીનો અભ્યાસ બંધ કરાવીને ઘરમાં પુરી રાખી માર મારીને જબરદસ્તીથી લગ્ન કરાવવા માટે માતા અને ભાઈ દબાણ કરતાં હતાં. જાે કે દીકરીને લગ્ન નહીં કરવા હોવાથી તેણે પરિવારના ત્રાસથી કંટાળીને અભયમની મદદ માંગી હતી.અભયમની ટીમે ઘટના સ્થળે પહોંચી માતા અને ભાઈનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી હતી. તેમજ દીકરીને ભણવાનો અધિકાર હોવાની તાકીદ કરી હતી. જેથી માતા અને ભાઈને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેમણે દીકરીને ભણાવવાની અને લગ્ન કરવા દબાણ ન કરવાની બાહેંધરી આપી હતી.
