અમદાવાદ
અમદાવાદની ખાનગી બેન્કમાં નોકરી કરતી યુવતી પર અજાણ્યા નંબરો પરથી ધમકીભર્યા ફોન આવતા હતા, જેમાં કહેવાતું હતું કે, તેના પર્સનલ ફોટો તેની પાસે છે, જે સોશિયલ મીડિયામાં ફરતા ન થાય તે માટે પૈસા આપવા પડશે. બાદમાં અજાણ્યા ફોનધારકે યુવતીના મોબાઇલ ફોન પર તેના પર્સનલ ફોટો મોકલીને કહ્યું હતું કે, આવા ઘણાં ફોટો તેની પાસે આવી ગયા છે, હવે પૈસા નહીં આપે તો તને બદનામ કરી દઈશ. પૈસા માગનાર અન્ય કોઈ નહીં, પરંતુ તેમની જ બેંકનો રિલેશનશિપ મેનેજર મેહુલ કાનપરિયા (પટેલ) જ હતો. તેણે બેંકના કામ અર્થે યુવતીનો ફોન માગ્યો હતો અને ફેક આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી તેમ જ ઈમેઇલ આઈડી બનાવી યુવતીનું ઈમેઇલ આઈડી હેક કરી ફોટો મેળવી બ્લેકમેઇલ કરતો હતો. યુવતીની ફરિયાદ બાદ પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી હતી.ખાનગી બેન્કના રિલેશનશિપ મેનેજરે તેની સાથે કામ કરતી યુવતીના પર્સનલ ફોટો મેળવી સોશિયલ મીડિયામાં ફરતા કરવાની ધમકી આપી પૈસાની માગણી કરી હતી. યુવતીની ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમ પોલીસે મેનેજરની ધરપકડ કરી હતી.
