સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આગ લાગે ત્યારે અગ્નિ શામકની યાદ અવશ્ય આવે.. ગઈકાલે ગુરૂવારે પણ ખાંભા બગોયાના રેવન્યુના ખેતરોમાં આગ લાગી પરંતુ વન વિભાગની સતર્કતા અને રેવન્યુ વિભાગની જાગૃતિએ આગને વધુ પ્રસરતી અટકાવવામાં સફળતા મળી. આ તકે અગ્નિ શામકની યાદ પણ અવશ્ય આવે જ. આગનાં સમાચાર મળતાં જ ચલાલા અને સાવરકુંડલા નગરપાલિકાના ફાયર ફાઇટર તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા.. જો કે વધુ આગ ન પ્રસરે એટલા માટે પણ કાળજી લેવામાં આવી.. આમ અચાનક આગ લાગે ત્યારે જ ખ્યાલ આવે કે આગ, દર્દ અને દુશ્મનને જેટલા વહેલી તકે ડામીએ એટલું જ હિતકારી.
———————————————————————
અમરેલી જિલ્લાના ખાંભા નજીક મિતિયાળા અભ્યારણ્ય જંગલમાં કાલે લગભગ બપોરે બે વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. આ આગ વધુ ન પ્રસરે એટલા માટે ખાંભા સાવરકુંડલા વિભાગના અધિકારીઓ વન કર્મચારીઓ સમેત સ્થાનિક લોકો પણ આ આગ બુઝાવવાની મદદે લાગી ગયાં હતાં. લગભગ ચારેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ સંદર્ભે સાવરકુંડલા તથા ચલાલાના ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરમેનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગ વધુ ન પ્રસરે એટલા માટે સ્ટેન્ડ બાય પર હતાં જો કે અગાઉ વનવિભાગ દ્વારા ફાયર કરવામાં આવેલ હોવાથી વધુ આગ પ્રસરી ન હતી. ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વન વિભાગના કર્મચારીઓ આગ પર કાબુ મેળવવામાં સફળ થયાં હતાં. આમ તો આગ ખાંભા અને બગોયાના રેવન્યુના ખેતરોમાંથી પ્રસરી હોવાનું વનવિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હજુ થોડા દિવસો પહેલા જ લાપાળા ડુંગરના રેવન્યુ વિસ્તારમાં ભયંકર આગ લાગી હતી અને લગભગ ૨૪ કલાકનાં અંતે કાબૂમાં આવી હતી. આમ ઉનાળામાં અચાનક લાગતી આગ એક ચિંતાનો અને સંશોધનનો વિષય પણ છે. જો કે વ્યવસ્થા તંત્ર સતત તકેદારી રાખતું જ હોય છે.. જો કે ખાંભા રેવન્યુ અને વન વિસ્તારમાં પણ સિંહોની વસ્તી છે. વળી મિતિયાળા વન્ય અભ્યારણ્યમાં પણ સિંહ, દીપડા જેવાં અનેક વન્ય પ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ છે. એટલે આગ માટે અગમચેતી રાખવી તો જરૂરી જ છે. અને ખાસકરીને આગ બુઝાવવા માટેની હાઈટેક મશીનરી પણ પર્યાપ્ત માત્રામાં હોવી જરૂરી છે. જો કે રેવન્યુ વિસ્તારમાં આગ લાગે અને પછી વન્ય વિસ્તારમાં પ્રસરે ત્યારે વન વિભાગ અને રેવન્યુ વિભાગ બંને માટે મુશ્કેલીભર્યો સમય જ ગણાય.. જો કે ગુરુવારે લાગેલી આગ ૧૫ થી ૨૦ હેકટરમાં લાગેલી હતી તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવેલ. જો કે વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને સરિશ્રુપો પણ આ આગની ઝપેટમાં આવ્યા હોય તો ના ન કહેવાય..


