આણંદ
આણંદ જિલ્લામાં રોજગાર કચેરી આણંદ દ્વારા વર્ષ ૨૦૨૧માં કરવામાં આવેલ કામગીરીની વિગતો આપતાં જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે, રોજગાર કચેરી દ્વારા વર્ષ દરમિયાન ૭૨ ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭૩૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જ્યારે સંરક્ષણ ક્ષેત્રે કારકીર્દી બનાવવા માગતા યુવાનો માટે ૩૦ દિવસના નિવાસી તાલીમવર્ગ ચલાવવામાં આવ્યા હતા. જેમાંથી ૩૦ ઉમેદવારોને શારીરિક અને લેખિત કસોટી માટેની તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી ૬ (છ) ઉમેદવારો લોકરક્ષક દળની શારીરિક કસોટીમાં પાસ થયા હતા.આ ઉપરાંત જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૩૧ સ્વરોજગારી માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી અને ૯૫ શાળા તથા કોલેજાેમાં કેરિયલ ગાઇડન્સ સેમિનારનું આયોજન કરી ૫૯૦૩ ઉમેદવારોને કેરિયર ગાઇડન્સનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદેશમાં અભ્યાસ કે રોજગારી માટે ઇચ્છુક ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૨૦ વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારો યોજવામાં આવ્યા જેનો ૧૨૧૭ ઉમેદવારોએ લાભ લીધો હતો. જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે રોજગાર સેવા સેતુ હેલ્પ લાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ચાલુ કરવામાં આવ્યો છે જેના જિલ્લાના ૪૦૨ ઉમેદવારોએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જ પ્લેટફોર્મ લાવવા અને નોકરીદાતાઓને સરળતાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહે તે માટે અનુબંધમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ અનુબંધમ પોર્ટલ ઉપર ૧૬૧૨૪ ઉમેદવારો અને ૨૦૩૩ નોકરીદાતાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ હોવાનું જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે. રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા રોજગાર કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૫૦૪૮૧ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી હતી. જે પૈકી ૧૫૨ રોજગાર ભરતીમેળાના આયોજન થકી ૨૭૬૫૨ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં રોજગારી ગુમાવી ચૂકેલ ઉમેદવારોને રોજગારીની વિવિધ તકો પ્રાપ્ત કરાવવા માટે ડીજીટલ માધ્યમથી રોજગારી પૂરી પાડવાનો નવતર અભિગમ સરકારે અપનાવ્યો હતો. આ ડીજીટલ માધ્યમથી આણંદ જિલ્લામાં કચેરી દ્વારા વર્ષ-૨૦૨૦-૨૧માં ૩૯ ઓનલાઇન ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી ૭૭૬ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૧૮ વેબિનારો યોજીને ૯૭૯૩ ઉમેદવારોને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.