Gujarat

ઉનાના પાલડી ગામના માછીમાર પાકિસ્તારન જેલમાં હૃદયરોગથી પીડાતા હોવા છતાં નિયમિત પૂરતી દવાઓ આપવામાં આવતી નથી..

પાકિસ્તાનની જેલમાં માછીમાર મૃત્યુ પામે તેમના વારસદારોને પણ રૂા. ૪ લાખની સહાય ચૂકવવી જોઈએ…

 

બિમાર માછીમારો તથા અન્ય તમામ માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાવવા માંગ..

ઊના – ગુજરાતના માછીમારભાઈઓ ભારતની દરિયાઈ સીમામાં માછીમારી કરવા જતા હોય છે. ત્યારે પાક.સેક્યુરીટી કોસ્ટ દ્રારા ભારતીય સીમામાં ઘુસીને ભારતીય માછીમારોનું બોટ સહિત બંદુકની અણીએ અપહરણ કરી જાય છે. આવા ભારતીય માછીમારો ખૂબ લાંબા સમય સુધી પાકિસ્તાનની જેલોમાં સબડે છે. તે પૈકી ઘણા માછીમારોના મૃત્યુ થાય છે. જેમના મૃતદેહ ૫૦-૫૦ દિવસ સુધી પરિવારજનોને મળતા નથી. એકબાજુ માછીમારોનું અપહરણ થયું હોય તેનાથી પરિવારજનો દુઃખી હોય અને થોડાક જ સમયમાં અવસાનના સમાચાર આવે તેવા સમયે પરિવારજનો શોક પ્રસરી જતો હોય છે.

 

ઉના તાલુકાના પાલડી ગામના રહીશ અને માછીમાર ભુપતભાઈ બાબુભાઈ ચૌહાણ તા. ૫-૧૧-૨૦૨૧ના રોજ માછીમારી દરમ્યાન પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા ધરપકડ થતા પાકિસ્તાનની જેલમાં કેદ છે. ભુપતભાઈ ચૌહાણ હૃદયરોગના દર્દી છે. તેમને બાયપાસ ઓપરેશન કરાવેલ છે તે વખતથી તેઓને નિયમિત પૂરતી દવાઓ લેવાની હોય છે તેમ છતાં પાકિસ્તાનની જેલમાં તેઓને સમયસર પૂરતી દવા આપવામાં આવતી નથી. જેના કારણે તેઓ પાકિસ્તાનની જેલમાં પીડાય રહ્યા છે. અને તેમનું જીવન જોખમમાં છે. અન્ય માછીમારો પણ ગંભીર બિમારીઓથી પીડાય રહ્યા છે અને તેઓના જીવ પણ જોખમમાં છે ત્યારે શારીરિક સ્વાસ્થ્યને કારણે તેઓના પરિવારજનો ચિંતાતુર બની ગયા છે. પાકિસ્તાની ઓથોરીટીને રજુઆત કરી ભુપતભાઈ ચૌહાણ સહિતના બિમાર માછીમારોને તાત્કાલિક અસરથી છોડાવવા અત્યંત જરૂરી છે. પાકિસ્તાનની જેલમાં બંધ રહેલ તમામ માછીમારોને સરકારે છોડાવવા જોઈએ.

 

ગીર-સોમનાથ જિલ્લામાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ ૪૪૪ માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં છે. તે પૈકી ૩૪૬ માછીમારોના કુટુંબીજનોને સહાય ચૂકવવામાં આવે છે. અને ૯૮ માછીમારોના કુટુંબીજનોને બીજી વખત ટંડેલમાં હોય / ગુનામાં હોય / અરજી રજૂ કરેલ ન હોય તેવા કારણોસર સહાય ચૂકવવામાં આવતી નથી. સરકારના તા. ૭-૩-૨૦૧૯ના ઠરાવની શરત મુજબ ટંડેલના કિસ્સામાં સહાય ચૂકવવાનો લાભ પ્રથમ વખત પકડાય ત્યારે જ એટલે કે એક જ વખત મળવાપાત્ર હોય તથા ગેરકાનુની પ્રવૃત્તિમાં સંડોવાયેલા કે સંકળાયેલા હોય તેને મળવાપાત્ર ન હોય જેથી ચૂકવવામાં આવતી નથી. ગામડામાં આંતરિક સામાન્ય બોલાચાલીના કારણે પોલીસ કેસ થયા હોય કે અન્ય બાબતોના કારણે પોલીસ કેસ થયા હોય તેવા કિસ્સાઓમાં પણ ગેરકાનુની પ્રવૃત્તિમાં સંડોવાયેલા કે સંકળાયેલા ગણીને સહાય ચૂકવવામાં આવતી નથી. આ માછીમારભાઈઓ કોઈ ગેરકાનુની પ્રવૃત્તિમાં સંડોવાયેલ કે સંકળાયેલ હોતા નથી તેમ છતાં તેમને સહાય ચૂકવવામાં આવતી નથી. ટંડેલ તરીકે બીજી વખત પકડાય તેમાં તેનો વાંક હોતો નથી, છતાં તેમને સહાય ચૂકવવામાં આવતી નથી. સરકારએ ઠરાવમાં સુધારો કરી આવા પકડાયેલ તમામ માછીમારના પરિવારજનોને સરકાર દ્રારા સહાય ચૂકવવામાં આવે અને ગંભીર અકસ્માત કે અન્ય અકસ્માતના કિસ્સામાં મૃત્યુ પામનારના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪ લાખની સહાય ચૂકવવામાં આવે છે. ત્યારે તે જ પ્રમાણે પાકિસ્તાનની જેલમાં પણ જે માછીમારભાઈ મૃત્યુ પામે તેમના વારસદારોને પણ રૂા. ૪ લાખની સહાય ચૂકવવી જોઈએ. આ અંગે અગાઉ પણ રજૂઆત કરી હોય આ તમામ બાબતે સરકાર કક્ષાએ ત્વરિત નિર્ણય કરી, કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી, ભુપતભાઈ ચૌહાણ સહિતના બિમાર માછીમારભાઈઓ તથા અન્ય તમામ માછીમારભાઈઓની પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાવવા માટે સત્વરે જરૂરી કાર્યવાહી કરાવવામાં આવે તેવી માંગ ધારાસભ્ય અને જાહેર હિસાબ સમીતીના ચેરમેન પુંજાભાઇ વંશે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *