હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ મહત્ત્વનો મનાય છે. શિવભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો તેમની શક્તિ અને ભક્તિ અનુસાર દેવાધિદેવ મહાદેવની ભક્તિ કરતાં હોય છે. ખાસ કરીને કાવડિયાઓ આ અવસરે ખૂબ જ ઉત્સાહિત હોય છે.
શ્રાવણ માસમાં પવિત્ર નદી અને સરોવરનાં જળનો દેવાધિદેવ મહાદેવને અભિષેક કરવાની પરંપરા છે. જેને અનુસરતાં ઓલપાડ નગરનાં અસ્નાબાદનાં નવયુવાનોએ પવિત્ર તાપી નદીનાં નીર ભરી હર હર મહાદેવનાં જયઘોષ સાથે કાવડ યાત્રા કરી અરબી સમુદ્રનાં તટે આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચી પ્રાચીન શિવલિંગને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓલપાડ તાલુકાનાં સરસ ગામ નજીકનાં સિધ્ધનાથ મહાદેવ મંદિરે આમ તો બારેમાસ દર્શનાર્થીઓનો ધસારો રહે છે પણ શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપૂર આવે છે. અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીં પગપાળા દર્શન માટે આવતાં હોય છે. તેઓ તાપી કે નર્મદા નદીનું પવિત્ર જળ ચઢાવીને પ્રભુ પ્રતિ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં હોય છે.


