કલેકટર શ્રી રચિત રાજના નેતૃત્વમાં તંત્ર દ્વારા આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે ચૂંટણીની કામગીરી માટે નિમણૂક કરાયેલા નોડલ અધિકારીઓ સાથે કલેકટર શ્રી રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરશ્રીએ સંબંધીત અધિકારીઓને તેમની ફરજ અને જવાબદારી પ્રત્યે અંગુલી નિર્દેશ કર્યો હતો. આ સાથે તેમણે ચૂંટણીની કામગીરી ગંભીરતા અને જવાબદારીપૂર્વક નિભાવવા માટે પુર્વ તૈયારીઓ કરી લેવા તેમજ રેડી રેફરન્સ તૈયાર રાખવા સ્પષ્ટ સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી માટે ૧૮ જેટલા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી. બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.જી. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
