છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા માણકા ગામની પ્રાથમિક શાળા-૨માં કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કવાંટ તાલુકાના માણકા ખાતે આવી પહોંચેલી વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાના સ્વાગત પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા અમલી અનેક કલ્યાણલક્ષી યોજનાઓની છેવાડાના માણસને પણ ખબર પડે એ માટે સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા શરૂ કરવામાં આવી છે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા વીસ વર્ષમાં કરવામાં આવેલા વિકાસનો ચિતાર રજૂ કરતા ઉમેર્યું હતું કે, સરકારે આપણા અંતરિયાળ વિસ્તારમાં પણ ગામે ગામ શેરીએ શેરી પાકા રસ્તાઓ બનાવ્યા છે. આદિજાતિ બાળકોના અભ્યાસ માટે પણ સરકારે સતત ચિંતા કરી છે એમ જણાવી તેમણે વનબંધુ કલ્યાણ યોજના જેવી આદિજાતિ સમાજ માટેની યોજનાથી આદિજાતિ સમાજની કાયાપલટ થઇ છે એમ વધુમાં જણાવ્યું હતું.
માણકા-૨ પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચેલી વંદે ગુજરાત વિકાસયાત્રાનું કારોબારી અધ્યક્ષ, ગામના સરપંચ રણજીતભાઇ ભીલ, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામજનો, શાળાના શિક્ષકગણ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અને શાળાના બાળકોએ સામૈયું કરી રંગે ચંગે સ્વાગત કર્યું હતું.
માણકા-૨ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત જનમેદનીએ વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન રાજય સરકાર દ્વારા ગત વીસ વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિકાસની ઝાંખી દર્શાવતી ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ દસ્તાવેજી ફિલ્મને રસથી માણી હતી. આ ઉપરાંત વંદે ગુજરાત ગાન પણ વગાડવામાં આવ્યું હતું.
કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઇ અને અન્ય મહાનુભાવોએ કાર્યક્રમ દરમિયાન એમ.જી.વી.સી.એલના લાભાર્થીઓને વીજ કનેકશનના હુકમ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ, ઉજજવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમો, મુખ્યમંત્રી માતૃશક્તિ વંદના યોજના અંતર્ગત પોષક આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર