સામાજીક કલ્યાણને વરેલી દેશની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓથી સામાજીક અને આર્થિક વિકાસનો નવો યુગ દેશમાં શરૂ થયો છે. સરકારની એક યોજના માણસના જીવનમાં કેવું આમૂલ પરિવર્તન આણી શકે છે એના અનેક ઉદાહરણો આપણને આપણી આસ પાસના લોકોમાંથી મળી રહે છે.
દેશમાં વસતા નાના અને સિમાંત ખેડૂતોને ઇન્કમ સપોર્ટ મળી રહે એ માટે તા. ૧/૧૨/૨૦૧૮ના રોજ દેશના પ્રધાનમંત્રી નેરન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. નાના અને સિમાંત ખેડૂતોને દર વર્ષે ત્રણ સરખા હપ્તામાં રૂા. ૬૦૦૦ હજારની સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને તેમના ખાતામાં નિર્ધારિત સમયે નાણા જમા કરાવી દેવામાં આવે છે.
સો ટકા કેન્દ્રીય ભંડોળથી ચાલતી આ યોજનાના લાભાર્થીઓ નકકી કરવાનું કામ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવે છે.
સમગ્ર દેશની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત જિલ્લાના નાાના અને સિમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આવા જ એક લાભાર્થી સાથે મુલાકાત કરતા તેમણે સરકારની આ યોજના અંગે શું કહ્યું હતું એ આપણે એમના જ શબ્દોમાં અહીં રજૂ કરીએ છે.
છોટાઉદેપુર જિલ્લાના અછાલા ગામના સુરજભાઇ રાઠવાને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂા. ૬૦૦૦ની સહાય આપવામાં આવે છે. જે અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મને દર વર્ષે છ હજાર રૂપિયા મળે છે. આ પૈસાનો ઉપયોગ હું ખેતર ખેડવા તેમજ ખાતર-બિયારણ લેવા કરૂં છું. એમ જણાવી તેમણે આ પૈસા મળવાથી અમને ખૂબ સારો આર્થિક સધિયારો મળે છે અને અમને ખેતીના ખર્ચમાં પણ સારો લાભ થયો છે.
વાતનો દોર આગળ ચલાવતા તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સિવાય પણ ખેતીવાડી શાખામાંથી અમને મકાઇ, તુવેર, અડદ અને ડાંગરનું બિયારણ પણ આપવામાં આવે છે. સારી જાતનું સુધારેલું બિયારણ મળવાથી અમારો પાક પણ સારો ઉતરે છે. પાક સારો થવાથી અમને આવક પણ સારી મળી રહે છે એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ગળગળા સાદે આભાર વ્યકત કર્યો હતો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સમગ્ર દેશના રાજયો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧૨ કરોડ ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ત્રણ વખત ખેડૂતો દ્વારા રજીસ્ટર કરવામાં આવેલા બેન્ક ખાતામાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરના માધ્યમથી સીધી રકમ જમા કરવામાં આવે છે.
ગુજરાત રાજયના અંદાજે ૬૨ લાખ જેટલા ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ૧,૧૮,૫૦૮ નાના અને સિમાંત ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નાણા જમા કરવામાં આવી રહ્યા છે.
આઝાદ ભારતના બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં કરેલી કલ્યાણ રાજયની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની દિશામાં વર્તમાન કેન્દ્ર અને રાજય સરકાર આગેકદમ કરી રહી છે એમ કહેવું અતિશયોક્તિ લેખાશે નહીં.
અહેવાલ: ચીમન વસાવા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


