ગાંધીનગર
કેન્દ્ર સરકાર ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઓએનડીસી લાગુ કરવાની તૈયારીમાં છે. ગાંધીનગર ખાતે ડિજીટલ ઇન્ડિયા વીકમાં યોજાયેલી નેશનલ સ્ટાર્ટઅપ કૉન્ફરન્સમાં કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે યુપીઆઇની જેમ આગામી સમયમાં ઓએનડીસી ભારતની સૌથી સફળ ડિજિટલસ પ્રોડક્ટ બની જશે. ઇ-કોમર્સ, બીટૂબી અથવા તો ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરતા ઉદ્યોગસાહસિકો માટે ઓએનડીસી વરદાન પુરવાર થશે. નેશનલ સ્ટાર્ટઅપ કૉન્ફરન્સનંટ ઉદ્ઘાટન કર્યા બાદ વૈષ્ણવે જણાવ્યું હતું કે ઓએનડીસીની મદદથી તમે પોતાના વેપારને વધુ વેગ આપી શકશો. ગત એપ્રિલમાં કેન્દ્ર સરકારે દિલ્હી એનસીઆર, બેંગલુરુ, ભોપાલ, શિલોંગ અને કોઇમ્બતુર એમ પાંચ શહેરમાં ઓએનડીસીનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ત્રણ દેશોએ યુપીએ સેવા લાગુ કરવા માટે ભારત સાથે કરાર કર્યા છે. આ સિસ્ટમની મદદથી વિવિધ બેન્કોની સેવાઓ એક ઍપ પર મળે છે. ઓએનડીસી વેપારીઓ-ગ્રાહકો માટે કેવી રીતે ઉપયોગી? વેપારીઓઃ આ એક પ્રકારનું ઓપન ઑનલાઇન પ્લેટફોર્મ છે. જેમાં ઇલેક્ટ્રોનિક નેટવર્કની મદદથી તમામ પ્રકારની ચીજવસ્તુઓ, સામાન અને સેવાઓની આપ-લે થઈ શકશે. ગ્રાહકોઃ ઓએનડીસી એપ્લિકેશન કે પ્લેટફોર્મની મદદથી ગ્રાહકો કોઈપણ પ્રોડક્ટ કે સેવાઓ ખરીદી શકશે. તેમની સમક્ષ અનેક વિકલ્પો ઉપલબ્ધ રહેશે.


