રોડ-રસ્તા, તળાવ, વિજ ટ્રાન્સફોર્મર તેમજ ખેતરોમાં થયેલા નુકશાનનું ટીમે સ્થળ પર જઈને કર્યું જાત નિરીક્ષણ
—————
નર્મદા જિલ્લામાં જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં વરસેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા દેડીયાપાડા તાલુકાના ગામોની મુલાકાત અને નુકશાનીનો તાગ મેળવવા અર્થે કેન્દ્રીય ગૃહ વિભાગના સરકારની આંતર મંત્રાલયની ટીમ શુક્રવારના રોજ આવી પહોંચી હતી. ટીમના સભ્યોમાં ખેતીવાડી સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટરશ્રી ડો. સુભાષ ચંદ્રા, જળ શક્તિ મંત્રાલયના અધિક ઈજનેરશ્રી વાય.એસ. વાર્સણેય, ઉર્જા મંત્રાલયના નાયબ નિયામક સુશ્રી નીરજા વર્મા અને ગુજરાતના રાહત નિયામકશ્રી સી.સી.પટેલ સહિતની ટીમે દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામે પહોંચી વરસાદી હોનારતથી થયેલી નુકશાનીનું જાત નિરિક્ષણ કર્યું હતું.
આ સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ કેન્દ્રની ટીમને નુકશાની બાદ સર્જાયેલી પરિસ્થિતિ અંગેનો ચિતાર આપ્યો હતો. સાથોસાથ જિલ્લામાં વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ, પશુપાલન, આરોગ્ય, ઉર્જા વિભાગના અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્રમાં થયેલા નુકશાન સંબંધી તમામ ટેકનિકલ માહિતીની વિગતો કેન્દ્રીય ટીમને પૂરી પાડી હતી. દેડિયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામે તળાવ ફાટવાથી થયેલી નુકશાનીનો તાગ મેળવવા માટે તળાવ પર પહોંચીને સ્થળ નિરિક્ષણ કર્યું હતું, જ્યાં સ્થાનિક અધિકારીશ્રીઓએ ટીમને સમગ્ર વિગતો અને પરિસ્થિતિથી અવગત કરાવી હતી. તળાવ ફાટવાથી ગામમાં વીજ કંપનીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મકાનોને થયેલી નુકશાની અંગે પણ સ્થળ નિરિક્ષણ કર્યું હતું. તળાવ ફાટવાથી થયેલી નુકશાની અને તેના અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. જે પરિવારોને નુકશાન થયું હતું તેમની સાથે રૂબરૂ ચર્ચા કરી તેમના પ્રશ્નો અંગે પણ પૃચ્છા કરી હતી. ત્યારબાદ ટીંબાપાડાથી નવાગામને જોડતા રોડ પર ઈનરેકા સંસ્થાન પાસે આવેલા ધામણ ખાડીના બ્રિજ પર પહોંચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું જ્યાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓએ સમગ્ર બાબતોથી ટીમને વાકેફ કરાવી હતી.
આ સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ સાથે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના ઈજનેરશ્રી હેમંતભાઈ વસાવા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રી એ.એસ.પટેલ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરશ્રી એચ.ડી.રાણા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદભાઈ પટેલ, વન વિભાગના અધિકારીશ્રીઓ, દેડીયાપાડા તાલુકા મામલતદારશ્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સહિતના સંબંધિત પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ વગેરે પણ કેન્દ્રીય ટીમની ઉક્ત મુલાકાતમાં જોડાયાં હતાં.

