Gujarat

કેશવ વસુદેવ દ્વારિકાવાળા “ધબકાર” 

*પત્ર દ્વારિકાધીશને….*
બ્લોક નં : મન મંદિરનું દ્વાર,
મુકામ : હૃદયમહેલ
મોબાઈલ નંબર : પ્રાર્થના.
પ્રિય કેશવ,
                       ક્યાં નામથી સંબોધન કરું ? તને શ્યામ કહીશ તો મથુરાવાસીઓ ઓળખશે તને ?? ગોપાલ કહું ? પણ ગાયો તો તું માત્ર ગોકુળમાં જ ચરાવતો, બંસીધર કહું ?? પણ રાધાને છોડ્યા પછી તે વાંસળી વગાડી છે ખરાં ??? માખણચોર તો મથુરાના રાજાને કેમ કહેવાય !? સોનાની દ્વારિકાના અધિપતિ કહું ??? પણ તું તો મારા હૃદય મહેલનો માલિક છે. જન્મોજન્મ સુધી તારી જ રાહમાં ભટકનાર આંગતુક એવી રાધિકાના ગોકુળના પ્રાણને પ્રણામ. લાગણીની શ્યાહીમાં કલમ ડુબાડીને પત્ર લખીને પૂછવાનું મન થાય કે મહેલોનો રાજા કુશળ હશે ! ઘણો સમય થયો તું અમને છોડીને ગયો વ્હાલા. તારા નંદબાબા અને તારી યશોદામૈયા તને ખૂબ જ યાદ કરે છે. તારા મિત્રો, સખાઓ,અને ગોપીઓ તારી રાહ જોવે છે કે ક્યારે મારો કાનો આવશે ? તારી ગાવડીઓ તો તારા વિના સરખું દૂધ પણ નથી વહાવતી. હે કાના ! તારી વાંસળીના સુર વિના ગોકુળિયું ગામ સાવ સૂનું લાગે છે. માખણ પણ મટકીમાં પડ્યા પડ્યા સુકાઈ ગયા. તારા કોમળ ચરણોનો સ્પર્શ થયા વિનાની આ માટી પણ હવે રણ જેવી લાગે છે. યમુનાના ખળખળ વહેતા નીરનો અવાજ પણ હવે કર્કશ લાગે છે.એકવાર તો અહીં આવીને જો. તારા વિના ગોકુળિયું ગામ આખું ય નિશ્ચેતન બનીને રહી ગયું છે. જિંદગી સાવ વેરણ બની ગઈ છે. પ્રેમ અને લાગણીની માયા લગાવીને મારા મન મંદિરનો ભગવાન મહેલોના કારભારમાં કેવો અટવાયો કે તું તારા ગોકુળ અને વૃંદાવનને ભૂલી ગયો ? તારા વિનાના દરેક દિવસ, વાર, તહેવાર અધૂરા છે વ્હાલા ? એકવાર તો આવ અહીં અમને દર્શન આપવા. જો તારે જવું જ હતું તો તે અમને આટલી બધી માયા શું કામ લગાવી ? તને ખબર જ હતી કે તું અમારી સાથે વધુ સમય નથી રહેવાનો તો તારી લીલાઓ અમને બતાવીને તે અમને ઘેલા શું કામ કર્યા ? તને ખબર છે ? તારી રાધા તારા દર્શન માટે પાગલ થઈ છે અને તારી રાહમાં મારી આંખોની પાંપણ પલકારો કરવાનું પણ ભૂલી ગઈ છે.હે મારા મન મંદિરના માધવ ! તમને ખબર જ હતી કે પ્રેમ અમારા નસીબમાં નથી તો પછી આટલી બધી મોહ, માયા લગાડવાનો શો અર્થ ? મારો શું દોષ થયો ? મેં તો મારું આખું જીવન  કેશવને જ સમર્પિત કરી દીધું છે. હે જગતના નાથ !! આજે મારે તમને પૂછવું છે કે મને ક્યાં જન્મની સજા મળી કે મને કેશવના ચરણોમાં સ્થાન ન મળ્યું ? યમુના નદીના ઝેરને પચાવી જાણનારા અને ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરનારાને એવી તે કઈ મજબૂરી હતી કે અમારી નિર્દોષ લાગણી અને નિઃસ્વાર્થ પ્રેમનું આ જ પરિણામ અમને મળ્યું ? તારા પ્રેમમાં ઘેલી બનેલી રાધા તને પૂછે છે કે મારા હાથની રેખામાં જ કેશવ તમે નહતા તો પછી મારા હૈયામાં આવીને કેમ વસ્યા ? અમારા હૃદય મહેલના રાજા હે વ્હાલા !! કલ્યાણના કાર્યમાંથી થોડો સમય કાઢીને મારા સવાલનો જવાબ આપશો એવી આશા અને આવનારા દરેક જન્મે હું તમારી અર્ધાંગિની બનું અે જ ઈચ્છા સાથે મારી ફરિયાદ પૂરી કરું છું. મહેલોના રાજાને કઈ કેવાય ગયું હોય તો અમને માફ કરજો બાકી ગોકુળના કનૈયાને જરાય ખોટું નહી લાગે.
                                       લી. તારી જન્મો જનમની પ્રીતની બંધાણી પ્રેમદિવાની તારી અને માત્ર તારી રાધા.
*- તૃપ્તિ વી પંડ્યા “ક્રિષ્ના”, ભાવનગર.*
*જય દ્વારકાધીશ….*
Attachments area

IMG-20220324-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *