Gujarat

ક્રુડની કિંમતમાં ૧ ડોલર વધે તો ભારતમાં પેટ્રોલમાં ૦.૫૨ પૈસાનો વધારો થાય છે

અમદાવાદ
ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ સમગ્ર દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાનું શરુ થઈ ગયું છે. છેક નવેમ્બર મહિનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા, ત્યાં સુધી કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાની પણ ઘરઆંગણે કોઈ અસર નહોતી પડી. જાેકે, હવે સ્થિતિ બદલાઈ છે, અને છેલ્લા બે દિવસમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દોઢ રુપિયાથી પણ વધુનો વધારો થઈ ચૂક્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ ફરી ૯૫ રુપિયાને પાર થઈ ગયો છે, જ્યારે ડીઝલ ૮૯ રુપિયાને પાર પહોંચ્યું છે. વિતેલા ચાર મહિના દરમિયાન દેશમાં ભલે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવમાં આ દરમિયાન મોટી હલચલ જાેવા મળી હતી. જાે તેના ભાવ પર નજર કરવામાં આવે તો છેલ્લા ચાર મહિનામાં ક્રુડનો ભાવ ૮૧ ડોલરથી ૪૫ ટકા વધીને ૧૧૮ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. હાલ પણ ક્રુડ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ બોલાઈ રહ્યું છે. ભારત પોતાની જરુરિયાતનું ૮૫ ટકા ક્રુડ ઓઈલ આયાત કરે છે ત્યારે સ્વાભાવિક છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધે તો ઘરઆંગણે પણ તેની અસર વહેલા મોડી ચોક્કસ વર્તાય છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૫ દિવસની સરેરાશ કિંમતના આધારે આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થતા હોય છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે પેટ્રોલમાં પ્રતિ લિટર પાંચ રુપિયા અને ડીઝલમાં ૧૦ રુપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ તેના ભાવ મોટાભાગના રાજ્યોમાં ૧૦૦ રુપિયાથી નીચે આવી ગયા હતા. ત્યારથી જ ઓઈલ કંપનીઓએ પણ ભાવવધારો કરવાનું ટાળ્યું હતું, જેના કારણે ૦૪ નવેમ્બર ૨૦૨૧થી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના પ્રતિ બેરલ ભાવમાં જાે ૧ ડોલરનો વધારો થાય તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ૦.૫૨ પૈસા પ્રતિ લિટર વધે છે. ચાર મહિનામાં ક્રુડની કિંમત પ્રતિ બેરલ લગભગ ૩૭ ડોલર જેટલી વધી ચૂકી છે. જેને જાેતાં ક્રુડ ઓઈલ કંપનીઓને પોતાનું માર્જિન જાળવી રાખવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૯ રુપિયા સુધીનો વધારો કરવો પડે. જાે આ ગણતરી અનુસાર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવે તો તેની કિંમત ફરી ૧૦૦ રુપિયા પ્રતિ લિટરને પણ પાર પહોંચી જશે. જાેકે, ખરેખર આમ થશે કે કેમ તે એક સવાલ છે. કારણકે, દેશમાં ફુગાવો ખૂબ જ વધી રહ્યો છે અને જાે તેવામાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થાય તો અર્થતંત્રને તેની માઠી અસર પડી શકે તેમ છે. આ સ્થિતિમાં સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં ફરી એકવાર કાપ મૂકે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં ક્રુડના ભાવ તળિયે જતાં એક્સાઈઝ ડ્યૂટીમાં ધરખમ વધારો થયો હતો, જેના લીધે સરકાર હજુય તેમાં ઘટાડો કરી શકે તેમ છે. હવે જાેવાનું એ રહે છે કે આ ઘટાડો ક્યારે અને કેટલો થાય છે.

Petrol-Diesel-Price.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *