Gujarat

ખાદ્યતેલમાં એક મહિનામાં બીજીવાર ભાવવધારો જાેવા મળ્યો

રાજકોટ,

ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો થયો છે. આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. નવા ભાવ મુજબ, સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૫૫૦થી વધીને ૨૬૦૦ની આસપાસ પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૫૦૦થી વધીને ૨૫૫૦ આસપાસ થયો છે. તેલના ભાવમાં સતત ૬ મહિનાથી વધારો થઈ રહ્યો છે. એક તરફ, પેટ્રોલ-ડીઝલ અને તેલના ભાવમાં અધધ વધારો થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ હવે જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ પણ માઝા મૂકી રહ્યાં છે. સરકારના અચ્છે દિનનું સુત્ર માત્ર ચૂંટણી વાયદા સાબિત થઈ રહ્યુ છે. હાલ જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં યુક્રેન-રશિયાના યુદ્ધની અસરના નામે તેલના ભાવમાં વધારો કરાયો હતો. ત્યારે એક મહિનામાં તેલના ભાવમાં આ બીજીવારનો વધારો છે. છેલ્લા પચ્ચીસ દિવસમાં સીંગતેલ અને સોયાબીન તેલના ભાવોમાં તોતિંગ ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સતત વધી રહેલા ખાદ્ય તેલોના ભાવોની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પણ પડી છે. તેલના ડબ્બા પાછળભાવ વધારો થતા ગૃહિણીઓ પોતાના રસોડા પાછળ જે ૧૦ હજારથી ૧૨ હજારનો ખર્ચ કરતી હતી, તે વધીને હવે ૧૨ થી ૧૫ હજાર જેટલો ફાળવવો પડે છે. જેથી ખાદ્ય તેલોના વધેલા ભાવે ગૃહિણીઓને પણ મુશ્કેલીમાં મૂકી છે અને તેઓના માસિક બજેટમાં વધારો કર્યો છે. તમામ જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ તોતિંગ વધી રહ્યા છે. દૂધ, પેટ્રોલ, શાકભાજી બાદ હવે તેલના ભાવ પણ લોકોને ટેન્શન કરાવી રહ્યાં છે. આમ, ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત ત્રણ દિવસથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જેના પર સરકારનો કોઈ પ્રકારનો અંકુશ નથી. તેલિયા રાજા બેફામ બની રહ્યાં છે, જેની અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે.

Food-Oil-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *