ખેરાલુ
ખેરાલુના બળાદમાં ગત મધરાતે ત્રાટકેલા તસ્કરોએ બ્રહ્માણી માતાના મંદિરના દરવાજાના નકૂચા અને તાળાં તોડી નાની-મોટી મૂર્તિઓ ઉપર શણગાર કરેલ ચાંદીના બે મુગટ સહિત ૧ કિલો ચાંદીના આભૂષણો અને દાનપેટીમાંથી રૂ.૨ હજારની રોકડ મળી રૂ.૫૦ હજારના દરદાગીના ચોરી કર્યા હતા. બાદમાં તસ્કરોએ મોચીવાસમાં આવેલા ચામુંડા માતાના મંદિરમાંથી કટાર અને છત્તર, લીંબાચીયા વાસમાં આવેલા પેંપળીયા વીર મહારાજના મંદિરમાંથી ચાંદીના ઘોડા, રબારીવાસમાં ગોગાના મંદિરમાંથી ચાંદીના નાગની નાની મૂર્તિઓની ચોરી કરી હતી. ત્યાંથી તસ્કરોએ ગામની મધ્યમાં આવેલા જૈન દેરાસરના દરવાજાનો નકૂચો તોડતાં વહેલી સવારે જાગેલા ગ્રામજનો મંદિરોમાં ચોરી થયાનો નજારો જાેઇ ફફડી ઉઠ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરતાં સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચેલા પીઆઇ એ.ટી. પટેલે પ્રાથમિક તબક્કે બ્રહ્માણી મંદિરમાં થયેલી મોટી ચોરીનો ગુનો નોંધી બાકીના મંદિરોમાં થયેલી ચોરી અંગે વિગતોની તપાસ સાથે તસ્કરોનું પગેરૂ મેળવવા પ્રયાસ આદર્યા હતા.ખેરાલુ શહેરમાં બે મંદિરોમાં ચોરીની ઘટનામાં પોલીસને હજું કોઇ પગેરું મળ્યું નથી, ત્યાં શુક્રવારે મધરાતે તસ્કરોએ તાલુકાના બળાદ ગામમાં ૫ મંદિરનાં તાળાં તોડી ચોરી કરતાં ગ્રામજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. પોલીસે બ્રહ્માણી મંદિરમાં થયેલી રૂ.૫૦ હજારની ચોરીનો ગુનો નોંધી બાકીના મંદિરોમાં થયેલ ચોરી અંગે તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
