નર્મદા જિલ્લાનાં રાજપીપલાથી ગરૂડેશ્વર તરફ જતાં ભાણદ્રા પુલ ઉતરતા ત્રણ રસ્તા પર લાકડાની કેબિનની બાજુમાં ઝાડ પડી જવાના કારણે આ ઝાડનો અડધો ભાગ મુખ્ય રોડ પર પડેલ હોવાથી વાહનવ્યવહારની અવર-જવર માટે અવરોધ રૂપ હતો. નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાની વાન આજે તા.૧૭ મીએ સવારે લગભગ ૦૯:૦૦ થી ૧૦:૩૦ કલાકના સુમારે અહીથી પસાર થતા ટ્રાફિક માટેના આ ઝાડના અવરોધની બિના ધ્યાને આવતા ટ્રાફિક પી.એસ.આઇ. શ્રી એમ.બી.ચૌહાણે તુરત જ તેમનું વાહન રોકીને ટ્રાફિક શાખાના જવાનોની મદદથી આ ઝાડને ટ્રી-કટીંગ મશીનથી કાપીને માત્ર અડધા કલાકમાં જ આ અવરોધ દૂર કરીને વાહન વ્યવહારની અવરજવર માટે રસ્તો ખૂલ્લો મુકાયો હતો.
ટ્રાફિક PSI શ્રી એમ.બી.ચૌહાણે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અમારી ટ્રાફિક શાખાના વાનની સાથે ટ્રી-કટીંગ મશીન અને રસ્તા વચ્ચે અવરોધ રૂપ હોય તેવા ચાર ટન વજન સુધીના અવરોધોને ક્રેનથી દૂર કરવાની ક્રેન સુવિધા તથા રાત્રિના અંધકારમાં જો આ પ્રકારની કામગીરી કરવાની જરૂરીયાત ઉભી થાય તો સોલાર લાઈટની સુવિધા સાથેની જરૂરી સામગ્રી સાથે અમારી ટીમ સજ્જ છે. તેમજ ભારે વરસાદને લીધે સર્જાતી પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પાણીમાંથી અવર-જવર ન કરવા તેમજ જરૂર પડે સલામત સ્થળે ખસી જવા વગેરે જેવી બાબતોથી પ્રજાજનોને વાકેફ કરી લોકોને સાવચેત રહેવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
