ગાંધીનગર
ગુજરાતની રાજધાનીમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક ચોરી, લુંટ, અકસ્માત, મર્ડર જેવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરનાં ઘ – ૫ સર્કલ પાસેના મધુર ડેરીના પાર્લરની લોખંડની જાળીનાં ઠંડા કલેજે તાળા તોડી તસ્કરોએ અંદરથી રૂ. ૨૭ હજારથી વધુની રોકડ ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ સેક્ટર – ૨૧ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. ત્યારે ભરચક એવા ઘ – ૫ સર્કલ વિસ્તાર ચારે દિશામાંથી સીસીટીવી કેમેરાથી ઘેરાયેલો હોવા છતાં તસ્કરોએ અત્રેના મધુર પાર્લરનાં તાળા તોડી પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.ગાંધીનગર શહેર સીસીટીવી કેમેરાનાં નેટવર્કથી ઘેરાયેલું છે છતાં ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. એમાંય ગઈકાલે રાત્રે ઘ-૫ સર્કલ પાસેના મધુર ડેરી પાર્લરનાં તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવતાં સઘન પોલીસ પેટ્રોલીંગ ઉપર પણ સવાલો ઉભા થયા છે. ગાંધીનગરની સેક્ટર – ૨૫ માં આવેલી મધુર ડેરી દ્વારા શહેરમાં મધુર પાર્લર ખોલવામાં આવ્યાં છે. જેનું સુપરવિઝન કુલદીપસિંહ બીહોલા કરી રહ્યા છે. ઘ – ૫ સર્કલ પાસેના મધુર પાર્લરમાં નોકરી કરતાં વૈભવ બીહોલાએ આજે સવારે છ વાગે ફોન કરીને પાર્લરનાં તાળા તૂટયાની જાણ કરતા સુપરવાઇઝર કુલદીપસિંહ ત્યાં દોડી ગયા હતા. બાદમાં તપાસ કરતા માલુમ પડયું હતું કે, ગઈકાલે રાત્રિના સમયે મધુર પાર્લરની પાછળની જાળીનું તાળું તૂટેલો હતું. અને કાચની બારી ખોલીને અંદર પ્રવેશી લોખંડના ડબ્બામાંથી ૨૭ હજાર ૨૦૦ ની રોકડ ચોરી સિફતપૂર્વક પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સેકટર – ૨૧ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે ઘ – ૫ વિસ્તાર ટ્રાફિકથી હંમેશા ધમધમતો હોય છે. તેમજ ચારે તરફથી સીસીટીવી કેમેરાથી ઘેરાયેલો હોવા છતાં તસ્કરોએ મધુર પાર્લરમાં હાથ ફેરો કરીને પોલીસ પેટ્રોલિંગની પણ પોલ ખોલી દેવામાં આવી છે.
