ગાંધીનગર
ગાંધીનગરમાં હરિયાળી નેસ્તનાબૂદ કરવાની ચાલી રહેલી પ્રવૃતિના કારણે ગરમીનો પારો પણ ઊંચો જવા લાગ્યો છે. એક સમયે વૃક્ષોથી ઘેરાયેલા હરિયાળા નગરમાં મધ્યમ ગરમીનો અહેસાસ થતો હતો. જ્યારે હવે ગરમીનો પારો ૪૫ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ લીલાછમ વૃક્ષોનો લેવાતો ભોગ હોવાનું પણ મનાઇ રહ્યું છે, જેથી આવી પ્રવૃતિ પરરોક લગાવવાની લોકમાંગ ઉભી થઇ છે.એક સમયે હરિયાળા નગર તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજ્યના પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની ચાલી રહેલી હરીફાઈમાં લીલાછમ વૃક્ષોનો ભોગ લેવાઈ રહ્યો હોવાથી પ્રકૃતિ પ્રેમીઓ રોષે ભરાયા છે. સેક્ટર-૩૦માં માર્ગ પહોળો કરી પાણીની પાઈપ લાઈન નાખવાની હોડમાં ૩૦થી ૪૦ વર્ષ જૂના લીલાછમ ત્રણ વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે. ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાની ચાલી રહેલી કવાયતમાં શહેરની રચનાનો મૂળભૂત ઢાંચો જ બદલી દેવામાં આવ્યો છે. એક સમયે વૃક્ષોની હરિયાળીથી ઘેરાયેલા ગાંધીનગરને સિમેન્ટ કોંક્રીટનાં જંગલમાં તબદીલ કરવાની જાેરશોરથી કામગીરી ચાલી રહી છે. રસ્તા પહોળા કરવાં, પાણી-ગટર ની પાઈપ લાઈનો નાખવી, મેટ્રો રેલ સહિતની સુવિધાઓ ઉભી કરવાના ચક્કરમાં સૌથી વધુ વૃક્ષોનો ભોગ લેવાઈ રહ્યો છે. ગાંધીનગરમાં હજારો લીલાછમ વર્ષો જુના વૃક્ષોનો નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સીટી માટે વૃક્ષો કાપવાની પ્રવૃતિ અટકવાનું નામ લેતી નથી. એમાંય વળી ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા પછી યોગ્ય માટીનું પુરાણ પણ કરવામાં રહ્યું નથી. શહેર ઘરે ઘરે મીટરથી પાણી પહોંચાડવા માટે પાઈપ લાઈન બિછાવવાની તેમજ માર્ગો પહોળા કરવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. જેનાં માટે હજારો વૃક્ષોનો સફાયો કરવામાં આવ્યો છે. અને હજુ પણ શહેરમાં વૃક્ષછેદનની પ્રવૃતિ ચાલી રહી છે. આવી વિકાસની કામગીરી અંતર્ગત સેક્ટર-૩૦ સર્કલ પાસે અત્યાર સુધી ઘણા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે વધુ ત્રણ લીલાછમ ભવ્ય લીમડાઓ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આશરે ૩૦થી ૪૦ વર્ષ જૂના આ ત્રણેય વૃક્ષોને એક જ દિવસે કાપી ધરાશાયી કરવામાં આવ્યા છે. આ અંગે સામાજિક કાર્યકર રાજેન્દ્ર પારેખે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં આડેધડ લીલાછમ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. જેની સામે વૃક્ષો વાવવાની કોઈ નક્કર આયોજન નથી. એક વૃક્ષને ઘટાટોપ થતાં વર્ષો વીતી જતા હોય છે. આવા વૃક્ષોને ગણતરીની મિનિટોમાં જમીન દોસ્ત કરીને વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.
