વેરાવળ
ગીરદેવળી ગામે બે વર્ષ પહેલા પાડોશીઓ વચ્ચે મારા મારી થયેલ હતી. જે અંગે પોલીસમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મારમર્યાની ફરિયાદ નોંધાયેલ હતી. આ કેસ એટ્રોસિટીની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા ચાર આરોપીઓને બે વર્ષની કેદની સજા સાથે દંડ ફટકારતો હુકમ કોડીનાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. કોડીનાર તાલુકાના ગીર દેવળી ગામે રહેતા લખમણભાઇ મેપાભાઇ રાઠોડને ગોંડલીયા પરિવાર સાથે અવાજ કરવાની બાબતે મારામારી સર્જાયેલ હતી. જેમાં લખમણભાઇને લોખંડના પાઇપ વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ હોવાની ફરીયાદ (૧) બબીતાબેન સીતારામભાઇ ગોડલીયા (૨) યોગેશભાઇ સીતારામભાઇ ગોંડલીયા (૩) સીતારામભાઇ સુખરામભાઇ ગોંડલીયા (૪) ભીખારામ સીતારામ ગોડલીયા રહે. ગીર દેવળીની સામે ગત તા.૧-૩-૨૦૨૦ ના રોજ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ નાયબ પોલીસ અધિક્ષક જી.બી.બાંભણીયાએ હાથ ધરેલ હતી. આ કેસનુ ચાર્જશીટ સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજુ કરતા આ કેસ સ્પે. એટ્રો. સેશન્સ કોર્ટના જજ એસ.એલ.ઠકકર સાહેબ સમક્ષ ચાલેલ હતો. જેમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સમગ્ર કેસનુ પ્રોસીકયુશન કરી ૧૧ જેટલા સાહેદોની જુબાની લીધેલી અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી વંચીત અને કચડાયેલા લોકોને સરળ ન્યાય મળે તે માટે સરકાર સંવેદનશીલ છે. આ કેસો ઝડપથી ચલાવી આરોપીઓને આકરી સજા અપાવી સમાજમાં કાયદાનું શાસન જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ હોવાની દલીલો કરી આરેાપીઓને તકસીરવાન ઠરાવવા જણાવતા તે દલીલોને ધ્યાને લઇ જજ એસ.એલ.ઠકકર સાહેબએ આ કેસના ચારેય આરોપીઓને ક્રીમીનલ પ્રોસીજરની કલમ ૨૩૫ (૨) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૪ તથા ૧૧૪ મુજબના ગુન્હામાં દોષિત ઠરાવી દરેક આરોપીઓને બે વર્ષની સાદી કેદની સજા તથા આરોપી નં.૧ તથા ૨ ને રૂ.૧ હજારનો દંડ ફટકરારી દંડ ન ભરે તો ત્રણ મહીનાની સાદી કેદની સજા તેમજ આરોપી નં.૩ તથા ૪ ને રૂ.૨ હજારનો દંડ અને દંડ ન ભરે તો છ મહીનાની સાદી કેદની સજા અને આ દંડની રકમમાંથી ફરીયાદીને રૂ.૫ હજાર વળતર પેટે ચુકવા હુકમ કરેલ હોવાનું જણાવેલ છે.