અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ નવરાત્રી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેમનો બાયોડેટા મંગાવવામાં આવ્યો હતો. જેમાં એનએસયુઆઈના ૧૦ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. સૌથી મોટી વાત એ છે કે યુથ કોંગ્રેસની જેમ એનએસયુઆઈએ પણ સિટિંગ ધારાસભ્યોની બેઠકો પર દાવેદારી નોંધાવી છે. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. એનએસયુઆઈના નેતાઓએ પોતાને તે જ બેઠક માટે લાયક ગણાવ્યાં છે જ્યાં હાલ કોંગ્રેસના ધારાસભ્યોની ટર્મ ચાલુ છે. એનએસયુઆઈના નેતાઓએ જે બેઠકો પર દાવેદારી નોંધાવી છે ત્યાં ૫ બેઠકો અમદાવાદની અને ૫ બેઠકો અલગ અલગ જિલ્લાની છે. હવે આ બાબતે અંતિમ ર્નિણય પક્ષ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ૧૮૨ બેઠકો પર કોંગ્રેસના ૬૦૦થી વધુ દાવેદારો ચૂંટણી લડવા તૈયાર થયાં છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. ૩ સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ટિકિટ માંગી છે. હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર નોંધાવી દાવેદારી. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ માંગી ટિકિટ. સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર નોંધાવી દાવેદારી. સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ છે. યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે પણ ટિકિટ માંગી છે.


