વલસાડ
મંત્રી કનુભાઈ દેસાઈએ નવી દિલ્હી ખાતે નેશનલ સાગરમાલા એપેક્સ કમિટીની ત્રીજી બેઠકમાં સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે, ગુજરાત કાર્ગો હેન્ડલિંગની બાબતે દેશભરમાં પ્રથમ છે. ગુજરાતના મત્સ્યોદ્યોગને વિકસિત કરવા રાજ્ય સરકારે મોટા ફિશ લેન્ડિંગ સેન્ટર, ફિશ પ્રોસેસિંગ સેન્ટર જેવી વિવિધ પહેલ પણ કરી છે. સાગરમાલા પ્રોગ્રામ હેઠળ નવી પહેલો અને ખાસ કરીને દરિયાકાંઠે વસતા સમુદાયોના સર્વગ્રાહી વિકાસની સમીક્ષા કરવા માટે સાગરમાલા એપેક્સ કમિટીની આ ત્રીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી કનુભાઇએ ગુજરાતના નોન-મેજર પોર્ટ સુધી પહોંચવા પોર્ટ કનેક્ટિવિટીને વધુ અપગ્રેડ કરવામાં વધુ માર્ગદર્શન આપતા રહેવા માટે વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સાગરમાલા પ્રોગ્રામ હેઠળ ૩,૨૦૦ કરોડના ૪૭ નવા પ્રોજેક્ટની દરખાસ્ત કરી છે, જેમાં રેલ-રોડ કનેક્ટિવિટી, ફિશ પ્રોસેસિંગ સેન્ટર, ફિશ લેન્ડિંગ સેન્ટર, પ્રવાસન અને સી-પ્લેન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, અલંગ ખાતે શિપ રિસાયકલિંગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ૩૯ હજાર ૮૫૭ કામદારોને ગુજરાત મેરીટાઇમ બોર્ડે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ આપી છે. દેશનું પ્રથમ મેરીટાઇમ મ્યુઝિયમ લોથલ ખાતે રૂપિયા ૩,૧૫૦ કરોડના બજેટ ફાળવણી સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ લક્ષ્યાંકો હાંસલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, મધ્ય-પૂર્વ આફ્રિકા અને યુરોપ સાથે ભારતને જાેડતું સૌથી નજીકનું દરિયાઈ સ્થળ ગુજરાત છે અને સૌથી વધુ સંખ્યામાં કાર્યરત વ્યાપારી બંદરો પણ ગુજરાત ધરાવે છે. ગુજરાત ભારતના લગભગ ૪૦% કાર્ગોનું સંચાલન કરે છે અને દરિયાકાંઠાના શિપિંગનો ઉપયોગ કરીને પરિવહન કરાયેલા કુલ કાર્ગોમાં લગભગ ૧૮% યોગદાન આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, બંદર-આધારિત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન્સ (જીૈંઇ), સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ (જીઈઢ) અને મુખ્ય ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાજરીથી ગુજરાતના દરીયાઇ કાંઠેથી કાર્ગોની અવરજવરને પ્રોત્સાહક માહોલ મળ્યો છે. ગુજરાત દેશમાં ક્રુડ, પીઓએલ, એલપીજી અને એલએનજીના સંચાલન માટે સૌથી વ્યાપક માળખાકીય સુવિધા ધરાવે છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી, સર્વાનંદ સોનોવાલે સાગરમાલા કાર્યક્રમના ૭ સફળ વર્ષો પર એક ઈ-બુક લોન્ચ કરી હતી. ભારતના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગોના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પીયૂષ ગોયલ, કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય મંત્રી રેલ્વે, અશ્વિની વૈષ્ણવ અને રાજ્યોના મંત્રીઓ અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ આ બેઠકમાં હાજરી આપી હતી.નવી દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ સાગરમાલા એપેક્સ કમિટીની ત્રીજી બેઠકમાં રાજ્ય સરકારના ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને નાણા વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈએ સંભોધન કર્યુ હતું. તેમજ ગુજરાતમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં રૂપિયા ૫૭ હજાર કરોડના કુલ ૭૫ પ્રોજેક્ટ પ્રગતિમાં છે, જેમાંથી રૂપિયા ૮૯૦૦ કરોડના કુલ ૧૩ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. ભારત સરકારના સાગરમાલા કાર્યક્રમે ગુજરાતના મેરીટાઈમ સેક્ટરને આગવું બળ પૂરું પાડ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
