રાજકોટ
ગોંડલમાં ગુંદાળા રોડ પર ડેકોરા સિટીમાં રહેતા અને શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ આશિષ રસીકભાઈ કુંજડિયાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે અજાણ્યા બે શખસો હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ લગ્નપ્રસંગમાંથી પોતાનું સ્કૂટર લઈ પરત ઘરે આવતા હતા ત્યારે ગુંદાળા ફાટકથી આગળ પહોંચતા નંબર પ્લેટ વગરના બાઈક ઉપર ધસી આવેલા અજાણ્યા બે શખસોએ આંતરી ગાંળો ભાડી ‘તને જાનથી મારી નાંખવો છે’ તેમ કહી ધમકી આપી નાશી છૂટ્યા હતાં. તેમણે એકાદ મહિના પહેલા માંડવી ચોક પોલીસ ચોકીએ શાંતિ સમિતિની બેઠક હોય જેમાં તેઓ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગોંડલમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા બાબતે રજૂઆત કરી હતી. તેમજ અઠવાડિયા પહેલા જ તેમની ઉપર હુમલા થવાની દહેશત વ્યક્ત કરતું સોગંદનામું ગૃહમંત્રી અને રાજ્ય પોલીસવડાને મોકલ્યું હતું. આથી તેનો ખાર રાખી અજાણ્યા શખસોએ ધમકી આપી હતી.ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખને ગુંદાળા ફાટક પાસે રસ્તામાં આંતરી બાઈક પર આવેલા બે શખસોએ મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસ પ્રમુખ દ્વારા શહેરમાં ફૂલી ફાલી રહેલી અસામાજીક પ્રવૃતિઓ અંગેની રજૂઆત કરી હોવાથી ધમકી આપી હોય હુમલાની દહેશત અંગે ગૃહમંત્રીને રજૂઆત પણ કરી હતી.
