Gujarat

ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા સઘન બને એ સંદર્ભે તંત્ર દ્વારા કોઈ માસ્ટર પ્લાન ઘડવામાં આવે એ જરૂરી છે. ગામ્ય વિસ્તારમાં લૂંટ અને હત્યાની ઘટનાઓ સમાજ તથા તંત્ર માટે  સતર્ક થવાનો સંદેશ. આવી ઘટનાઓને અટકાવવા માટે સાવચેતી અને સાવધાની એ જ વિકલ્પ હોય શકે. ગોકૂળિયા એ ગામની સંકલ્પના ક્યારે સાકાર થશે? એક યક્ષપ્રશ્ન.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટાભાગના યુવાધનનું શહેરો તરફ પ્રયાણ થતું જોવા મળે છે. ખાસકરીને નાના ગામડામાં તો શિક્ષણ, સ્વાસ્થ્ય કે રોજગારીની પૂરતી વ્યવસ્થા ન હોવાનું એક કારણ પણ આ સ્થળાંતરનું કારણ હોય શકે. વડીલોના  ભરોસે ગામડાંઓ જોવા મળે છે. ગામમાં લગભગ સરકારી કર્મચારીઓ કે બે પાંચ દુકાનદારો અને થોડા ઘણાં ખેત મજૂર સિવાય યુવાધન લગભગ જોવા મળતું નથી. ખાલી ગામડાંઓ આ હર્યાભર્યાં યુવાધન વગર ભેંકાર ભાસે છે!! હવે આવી પરિસ્થિતિમાં કોઈ એકલ દોકલ વયોવૃદ્ધના દ્રારે ઘણી વખત લલચામણી વાતો કરીને ચાલાક ઠગબાજો આવા નિખાલસ વડીલોને છેતરી પણ જતાં હોય છે. હા, હત્યા જેવા ગંભીર ગુનાઓ બને ત્યારે આ ગામડાંની પરિસ્થિતિઓ ઉજાગર થાય છે. બાકી મોટાભાગે તો વડીલો પણ કાયદાની ચૂંગાલમાં પડવા નથી માંગતા હોતા એટલે કેટલાય અપરાધો તો વણનોંધ્યા પણ બનતાં હોય શકે. પોતાના સંતાનોના લગ્ન વેવિશાળ કે  લગ્નસંબધિત બાબતો માટે વડીલો ગામડાંમાં ચિંતિત હોય છે અને આવી પરિસ્થિતિમાં ઘણી વખત પોતાના સંતાનોની લગ્ન સંબંધિત બાબતો માટે પણ ઘણાં ઠગોનો ભેટો પણ આવા નિર્દોષ અને ભોળા વડીલોને ગામડાંમાં થઈ જાય અને મોટી રકમ વડીલો પાસેથી સેરવી અને આવાં ઠગો છૂ પણ થઈ જતાં જોવા મળે છે. તો ગામડામાં એકના ડબલ કરવાવાળા લેભાગુ માણસોની ભેદી ચાલમાં પણ વડીલો આસાનીથી ફસાતાં જોવા મળે છે. એકંદરે ગામડામાં યુવાધનની સૂચક ગેરહાજરીથી વડીલો એકલતા પણ અનુભવતાં જોવા મળે છે. પોતાની જમીન જાયદાદ સાચવવા અને સરળ અને સહજ જીવન જીવવા માટે પોતાના સંતાનોથી દૂર છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વડીલો નિવાસ કરતાં જોવા મળે છે. ટૂંકમાં ગામડાંઓની હાલત ખાસ કરીને વડીલો અને તેની સંપત્તિ જમીન જાયદાદની સુરક્ષા એ તંત્ર માટે પણ ધ્યાન માંગી લે તેવો મુદ્દો તો ચોક્કસ કહી શકાય.  હવે સમય આવી ચૂક્યો છે સરકાર ગામડાંમાંથી થતું યુવાધનનાં સ્થળાંતર રોકવા માટે કોઈ સક્ષમ અને અસરકારક પોલીસી બનાવે. હા, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની જ વાત કરીએ તો ઔદ્યોગિકરીતે પછાત આ જિલ્લામાં રોજગારીના પૂરતાં પ્રમાણમાં વિકલ્પ ઊભા કરવા એ માટે કોઈ માસ્ટર પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરવો જોઈએ. હા, કલ્પતરુ યોજના અને ઓર્ગેનિક ખેતી તેમજ થોડાં માત્રામાં નાના નાના ઉદ્યોગો જો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવે તો શક્ય છે રોજગારી મળવાથી પણ યુવાધન શહેરો તરફ દોટ મૂકતું અટકે અને ગામડાઓ હર્યાભર્યાં થઈ શકે. હા, કોરોના મહામારી સમય દરમિયાન એવાં અનેક કુટુંબો કે જે શહેરોમાં નિવાસ કરતાં તેણે પોતાના વતન ગ્રામ્ય વિસ્તારોની વાટ પકડી હતી. પરંતુ કોરોનાની ઘાતક અસર ઓછી થતાં વળી પાછું ઈનું ઈ. એટલે કે યુવાધનું શહેરો તરફનું સ્થળાંતર.. ગોકૂળિયા એ ગામની સંકલ્પના ક્યારે સાકાર થશે? એક યક્ષપ્રશ્ન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *