સુરત
શોપિંગ વેબસાઇટ પરથી એક ગ્રાહકે ૨૦૯૦૦નું એરપોડ મંગાવ્યું હતું. કંપનીનો ડિલિવરી બોય પાર્સલ આપવા આવ્યો ત્યારે ગ્રાહકે પેટીએમથી પેમેન્ટ કરી દીધું હોવાનો સ્કીનશોટ બતાવી પાર્સલ ખોલી ઓરિજનલ એરપોડ કાઢી નકલી મુકી દીધા હતા. પેમેન્ટ થયું ન હોવાથી ડિલિવરી બોય પાર્સલ રિટર્ન લઈ આવ્યો હતો. કર્મચારીએ ગોડાઉન પર આવી પાર્સલ ચેક કર્યુ ત્યારે એરપોડ નકલી હોવાનું બહાર આવ્યું હતું. કંપનીની મહિલા કર્મી વૈશાલી અવસ્થીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગ્રાહક હિરેન ભીખુ રાખોલીયા અને અન્ય ૩ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે ૫ જાન્યુઆરીએ હિરેન રાખોલીયા નામક યુવકે એરપોડ મંગાવ્યું હતું. ડિલિવરી બોય રવિ પટેલ પાર્સલ આપવા નીકળ્યો હતો. હિરેને સિટીલાઇટના સ્વીટ હાઉસ એપાર્ટમેન્ટનું એડ્રેસ આપ્યું હતું. જાે કે, તેણે ડિલિવરી બોય રવિને કોલ કરી રસ્તામાં જ પાર્સલ આપી દેવાની વાત કરી હતી. જાે કે રવિએ લોકેશન મુજબ જ પાર્સલ આપવાનું કહેતાં હિરેન ૩ મિત્રો સાથે સિટીલાઇટ ગયો હતો. પહેલા હિરેન રોકડા ગણવા લાગ્યો હતો પછી ઓનલાઇન પેમેન્ટની વાત કરી હતી. આથી રવિએ બારકોડ આપતા હિરેને સ્કેન કરી ૨૦૯૦૦નું પેમેન્ટ કરી દીધું હોવાનો સ્કીનશોટ બતાવ્યો હતો. રવિએ પાર્સલ તો આપી દીધું પણ ફોનમાં પેમેન્ટ પડ્યું ન હતું. બીજી તરફ હિરેને પાર્સલ ખોલી નાંખી નાખ્યું હતું. પેમેન્ટ બાકી હોવાથી રવિએ પાર્સલ પરત લઈ લીધું હતું અને ગોડાઉન પર જઈ ચેક કરતાં તેમાંથી નકલી એરપોડ નીકળ્યા હતા.
