વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ-૧૨.૭૨ લાખ મતદાતાઓ જિલ્લાના ૧૩૪૬ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર આવતીકાલ તા.૫-૧૧-૨૦૨૨ના થી તા.૧૪-૧૧-૨૦૨૨ સુધી ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે.(જાહેર રજા સિવાય) તા.૧૭-૧૧-૨૦૨૨ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ જૂનાગઢ જિલ્લામાં પ્રથમ તબક્કામાં તા.૧-૧૨-૨૦૨૨ના રોજ મતદાન યોજાશે અને તા.૮-૧૨-૨૦૨૨ના રોજ મત ગણતરી એટલે કે, વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાત પરીખની અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે કુલ-૭૪ જેટલી ટીમની રચના કરવામાં આવી છે. જે સમગ્ર ચૂંટણી દરમિયાન ઉમેદવારો સહિતના ખર્ચ પર દેખરેખ રાખશે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, પાંચ વિધાનસભા મતક્ષેત્રોના ૫૦ % મતદાન મથકનું લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે એટલે કે સંવેદનશીલ સહિત કુલ-૬૮૦ મતદાન મથક ઉપરથી લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. જેના દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખવામાં આવશે.
કલેક્ટરશ્રીએ કહ્યું કે, જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે ૫ ચૂંટણી અધિકારીઓની નિમણૂંકની સાથે ૧૧ જેટલા સહાયક ચૂંટણી અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૮ જેટલા નોડલ ઓફિસરની પણ ચૂંટણી કામગીરી માટે નિમણૂક કરવામાં આવી છે. વધુમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે સુચારૂ રીતે મતદાન પ્રક્રિયા યોજાય તે માટે પૂરતા કર્મચારી અધિકારી ઉપલબ્ધ છે. મતદાન પક્રિયા માટે જરૂરી ૫૩૮૪ કર્મચારીઓની સામે ૬૨૬૬ જેટલા કર્મચારીઓ છે. એટલે કે, ૧૬ ટકા જેટલો વધારે સ્ટાફ ઉપલબ્ધ છે.
ઉપરાંત ચૂંટણી અંગેની તમામ ફરિયાદ માટે જિલ્લા સાથે દરેક બેઠક માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે આ માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર સંપર્ક કરવાનો રહેશે. ઉપરાંત C VIGIL પોર્ટલ પર પણ ચૂંટણી સંબંધિ ફરિયાદ કરી શકાશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે જણાવ્યું હતું.
