Gujarat

છોટાઉદેપુર ખાતે વિધાનસભાની  સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ 

ગત રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા માટે સજજ છે એમ છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી  સ્તુતિ ચારણ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત મીડીયાકર્મીઓને માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ઠ ત્રણ વિધાનસભાની ચૂંટણી બીજા તબકકામાં યોજવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની ચૂંટણી માટે ત્રણે વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીઓ દ્વારા તા. ૧૦મી, નવેમ્બરના રોજ નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા. ૧૭/૧૧/૨૦૨૨, ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની તા. ૧૮/૧૧/૨૦૨૨, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તા. ૨૧/૧૧/૨૦૨૨ તથા તા. ૦૫/૧૧/૨૦૨૨ના રોજ મતદાન યોજાશે. મત ગણતરી તા. ૦૮/૧૧/૨૦૨૨ના રોજ યોજાશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા. ૧૦/૧૨/૨૦૨૨ હોવાનું તેમણે જણાવ્યું હતું.
મતદાન મથકો અને મતદાન મથક સ્થળ અંગે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, ૧૩૭-છોટાઉદેપુર (અ.જ.જા) મતવિસ્તારમાં ૩૩૭ મતદાન મથક અને ૨૮૦ મતદાન મથક સ્થળ, ૧૩૮-જેતપુર (અ.જ.જા) મતવિસ્તારમાં ૩૩૮ મતદાન મથક અને ૨૮૭ મતદાન મથક સ્થળ, ૧૩૯-સંખેડા (અ.જ.જા) મતવિસ્તારમાં ૩૮૫ મતદાન મથકો અને ૩૪૩ મતદાન મથક સ્થળ મળી છોટાઉદેપુર જિલ્લામાં ૧૦૫૮ મતદાન મથકો અને ૯૧૦ મતદાન મથક સ્થળ નકકી કરવામાં આવ્યા હોવાનું ઉમેર્યું હતું.
આ ઉપરાંત તેમણે જિલ્લાના મતદારો અંગે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, ૧૩૭-છોટાઉદેપુર (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારમાં ૧,૩૯,૨૨૨ પુરૂષ મતદારો, ૧,૩૨, ૧૧૪ સત્રી મતદારો અને અન્ય ૩ મતદારો મળી છોટાઉદેપુર વિધાનસભા મતદાર વિસ્તારમાં કુલ ૨,૭૧,૩૩૯ મતદારો મતદાન કરશે.
૧૩૮-જેતપુર (અ.જ.જા) મતવિસ્તારમાં ૧,૩૮,૯૨૭ પુરૂષ મતદારો, ૧,૩૨,૦૬૭ સ્ત્રી મતદારો અને ૩ અન્ય મતદારો મળી ૧૩૮-જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં ૨,૭૦,૯૯૭ મતદારો મતદાન કરશે.
જયારે ૧૩૯-સંખેડા(અ.જ.જા) મતવિસ્તારમાં ૧,૪૦,૮૯૪ પુરૂષ મતદારો, ૧,૩૫,૩૪૧ સ્ત્રી મતદારો અને ૨ અન્ય મતદારો મળી કુલ ૨,૭૬,૨૩૭ મતદારો સંખેડા વિધાનસભા મતદાર વિસ્તારમાં મતદાન કરશે.
આમ, છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં ૪,૧૯,૦૪૩ પુરૂષ મતદારો, ૩,૯૯,૫૨૨ સ્ત્રી મતદારો અને ૦૮ અન્ય મતદારો મળી ૮,૧૮,૫૭૩ મતદારો મતદાન કરશે.
આ ઉપરાંત તેમણે ત્રણેય વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા નોડલ ઓફિસરો અને સિંગલ વિન્ડો સિસ્ટમ અંગે પણ વિગતે માહિતી આપી જિલ્લામાં ૨૧ સખી મતદાન મથકો, ૩ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, ૩ મોડેલ મતદાન મથકો, ૧ ઇકો ફ્રેન્ડલી મતદાનમથક તથા ૧ હેરિટેજ મતદાન મથક અને ૧ યુવા અધિકારીઓ સંચાલિત મતદાન મથકોની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
  આ ઉપરાંત તેમણે અવસર-૨૦૨૨ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૭મી, નવેમ્બરના રોજ  ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં ઓછું મતદાન ધરાવતા ૧૧ મતદાન મથકો, તા. ૦૮/૧૧/૨૦૨૨ના રોજ ૧૩૮-જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં ઓછું મતદાન ધરાવતા ૧૧ મતદાન મથકો અને તા. ૦૯/૧૧/૨૦૨૨ના રોજ ૧૩૯- સંખેડા મતવિસ્તારમાં ઓછું મતદાન ધરાવતા ૧૧ મતદાન મથકો પર પ્રચાર પ્રસાર અર્થે રથ ભ્રમણ કરશે એમ જણાવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રાયોજના વહીવટદાર રવિન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી, સહાયક માહિતી નિયામક સી.એફ.વસાવા, ચૂંટણી મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિ, પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડીયાના પ્રતિનિધિઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

04-11-2022_-press-conference-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *