સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં
ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઇ
છોટાઉદેપુર ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક જિલ્લા સેવાસદન ખાતે આવેલા સંકલન સમિતિ હોલમાં સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા સાંસદે જણાવ્યું હતું કે, આ બેઠકમાં મારી સાથે ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સમસ્યાઓ ફરી ઉપસ્થિત ન થાય એની તકેદારી રાખી સત્વરે નિકાલ કરવામાં આવે એ જરૂરી છે કારણ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમને જે રજૂઆતો મળે છે એ આપ સૌ સમક્ષ રજૂ કરીએ છીએ એમ કહી તેમણે તાજેતરમાં અતિવૃષ્ટિને કારણે છોટાઉદેપુર જિલ્લામાં જે નુકસાન થયું છે એનું સર્વે કરી લોકોને સરકારના ધારા ધોરણ પ્રમાણે જે સહાય મળવાપાત્ર થાય છે એ સહાયની ચૂકવણી ઝડપથી થાય એવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
બેઠક દરમિયાન રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવા, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા અને અન્ય પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સંદર્ભે ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપસ્થિત રાજયસભા સાંસદ, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા તેમજ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા તેમજ અન્ય ઉપસ્થિત સભ્યોએ જિલ્લામાં વધુ સારો વિકાસ કઇ રીતે કરી શકાય એ માટે ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
સાંસદ ગીતાબેન રાઠવાએ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમલી વિવિધ યોજનાઓ અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. બેઠકમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ બેઠક દરમિયાન ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકનું સંચાલન નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક જી.એમ.બોરડે કર્યું હતું.
બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખો, અન્ય સભ્યો, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તી, બોડેલી પ્રાંત ઉમેશ શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, અમલીકરણ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

