આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં યોજાયેલા હર ઘર તિરંગા અભિયાનને છોટાઉદેપુર જિલ્લામાં વ્યાપક જન પ્રતિસાદ મળ્યો છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે ખભે ખભા મિલાવી જિલ્લાની જનતાએ હર ઘર તિરંગા અભિયાન સફળ બનાવ્યું છે.
આદિવાસીબહુલ વસતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ પોતાના ઘર પર તિરંગો લહેરાવી દેશદાઝની ભાવના પ્રગટ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનને લઈને કરવામાં આવેલા લોકજાગૃતિના પ્રયાસો રંગ લાવ્યા હતા. હર ઘર તિરંગા અભિયાનને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર પણ પાછળ રહ્યું ન હતું. જિલ્લાની તમામ સરકારી કચેરીઓ પર પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન કયાંય પણ કોઈ કચાસ ન રહી જાય એ માટે જિલ્લા કલેક્ટર સુશ્રી. સ્તુતિ ચારણ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ પણ આ અભિયાનને સફળ બનાવવા માટે જહેમત ઊઠાવી રહ્યા છે.
જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓ તિરંગા રંગની રોશનીથી ઝળહળી ઉઠી હતી.જિલ્લાના તમામ ઔધોગિક એકમો, દુકાનો, ખાનગી કચેરીઓ, જિલ્લામાં આવેલા પૌરાણિક સ્થળો, પર્યટન સ્થળો સહિત ડુંગરો, તળાવો તેમજ અન્ય સ્થળોએ પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાઓ યોજવામાં આવી હતી. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા રેલી સ્વરૂપે વન વિસ્તારમાં આવેલા સ્થળોએ જઈ તિરંગો લહેરાવ્યો હતો. જિલ્લા પોલીસ દ્વારા પણ તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આમ, સમગ્ર દેશમાં યોજાયેલા તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લો પણ પાછળ રહ્યો ન હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર