યુવા અને મહિલા મતદારો ઉત્સાહભેર મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી
છોટાઉદેપુર જિલ્લામાં તા. ૧૨મી, ઓગષ્ટથી ૧૧મી, સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા ૧૯૯૬૯ મતદારો નોંધાયા છે. મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન યુવા અને મહિલા મતદારોએ ઉત્સાહભેર મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગત તા. ૧૨મી, ઓગષ્ટથી તા. ૧૧મી, સપ્ટેમ્બર સુધીમાં તા. ૦૧/૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા હાથ ધરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ યોજાયેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને જિલ્લાના નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧૮ થી ૧૯ વર્ષ અને ૨૦ થી ૨૯ વર્ષની વયજૂથના ૧૯૯૬૯ નવા મતદારો નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં કરવામાં આવેલા જનજાગૃતિ કાર્યક્રમોથી પ્રેરાઇને બે લાખ કરતા વધુ મતદારોએ ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવ્યું છે.
જિલ્લા ચૂંટણી શાખામાંથી મળતી વિગતો અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧૦૦૦૦ કરતા વધુ નવા મહિલા મતદારો નોંધાયા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારોનો નોંધણીમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સંકલિત બાળ વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી સહિતના વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી કારણે ૧૯૯૬૯ નવા મતદારો અને બે લાખથી વધુ મતદાર ઓળખકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરીએ જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
