Gujarat

જામનગરમાંથી ચોટીલાનો શખ્સ બે કિલો ગાંજા સાથે ઝડપાયો

જામનગર
જામનગર શહેરમાંથી એસઓજીની ટીમે વધુ એક શખ્સને બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલારનો દરિયાકિનારો ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયો છે. વર્ષો અગાઉ આ દરિયાકિનારાનો ઉપયોગ સોનાની દાણચોરીમાં કરવામાં આવતો હતો અને હાલમાં જ આ દરિયાકિનારેથી નશીલા પદાર્થો ઘૂસાડવાનું આંતરરાષ્ટ્રીય કાવતરુ કરવામાં આવે છે તેમાં ખાસ કરીને પાકિસ્તાન દ્વારા નશીલા પદાર્થ ભારતમાં ઘૂસડાવામાં આવે છે. છેલ્લાં થોડાંક સમયથી આ દરિયાકિનારેથી ઘૂસાડવામાં આવતા કરોડોની કિંમતના નશીલા પદાર્થો પોલીસની સતર્કતાને કારણે ઝડપી લેવામાં આવ્યાં છે અને આ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેકશનો ખૂલ્યા હતાં. ત્યારે જામનગર શહેરમાં એસઓજીના હે.કો. રમેશ ચાવડા અને પો.કો. સોયબ મકવાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.વી. વીંછી તથા સ્ટાફ દ્વારા ગુલાબનગર વિસ્તારમાં વોચ ગોઠવી હતી ગુલાબનગરમાં મંગલમૂર્તિ પેટ્રોલપંપની સામેના માર્ગ પરથી પસાર થતી બાતમી મુજબની રીક્ષાને એસઓજીની ટીમે આંતરીને તલાસી લેતા આકાશ કાળુ નાધોણા (રહે. ચોટીલા જલારામ મંદિર પાછળ આવાસ કોલોની જી. સુરેન્દ્રનગર, મૂળ ગીતાનગર પડધરી, જી. રાજકોટ) નામના શખ્સને રૂા.૨૦ હજારની કિંમતના બે કિલો ગાંજા જથ્થા સાથે ઝડપી લીધો હતો તેમજ એસઓજીએ પૂછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો સુરતમાં રહેતાં પિંકુભાઈ મો.૯૩૧૬૨૬૭૪૩૧ નામના શખ્સ પાસેથી ખરીદીને જામનગરમાં રહેતાં અલી અબ્બે બ્લોચ મકરાણી મો.૮૪૦૧૩૧૩૧૨૫ નામના શખ્સને વેંચાણ કરવા જતો હોવાની કેફિયત આપી હતી. જેથી એસઓજીની ટીમે આકાશને રૂા.૩૦૦૦ ની રોકડ, એક રીક્ષા અને બે કિલો ગાંજાનો જથ્થો મળી કુલ રૂા.૧,૦૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *