અમદાવાદ
ગુજરાતમાં ચુંટણી પહેલા રાજકારણ ગરમાયું. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આ મામલે અમદાવાદના સારંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.૧૨ વાગ્યે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. તે પહેલાં સારંગપુર ખાતે એસીપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો અને અટકાયત કરવા માટે ૧૦ જેટલી પોલીસનો ગાડી તૈનાત કરવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનો બાબા સાહેબની આંબડેકરની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા. પોલીસ અટકાયત કરવા આવતા પોલીસ અને શહેઝાદ ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ધરણા પર બેસી ગયા હતા. પોલીસે એક બાદ એક નેતાઓની અટકાયત શરૂ કરી હતી. જિજ્ઞેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને રોડ મારફત અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મધરાતે વિમાન મારફત આસામ લઈ જવામાં આવ્યા છે. ધરપકડ બાદ જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે મને એફઆઈઆરની નકલ આપી નથી, પણ એવું કહ્યું છે કે તમે એક ટ્વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે, આથી તમારી ધરપકડ કરવામાં આવે છે. ટ્વીટમાં મેં શાંતિની અપીલ કરી હતી. મેં ટ્વીટમાં કહ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે, જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં દેશમાં શાંતિ જળવાવી જાેઈએ. શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે એ વાતની મને નવાઈ લાગે છે. આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે. મને પહેલેથી કોઈ જાણ કરાઈ નથી. પરિવારજનો સાથે પણ વાત કરવા દીધી નથી. હું લડત આપનારી વ્યક્તિ છું. આવા કેસથી હું ડરવાનો નથી. કોંગ્રેસ પ્રદેશ-પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી હતી. આ મામલે તેમણે કહ્યું હતું કે ‘લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે. ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે, પરંતુ અમે ડરીશું નહિ લડીશું.’ આ સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાઓ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી પણ જિજ્ઞેશને મળવા એરપોર્ટ પહોંચ્યા હતા.
