Gujarat

જિલ્લા કલેકટરશ્રીએ લોકોને કોવિડ બૂસ્ટર ડોઝ લેવા અનુરોધ કર્યો  

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યભરમાં ઠેર- ઠેર વંદે ગુજરાત વિકાસયાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની કલેકટર શ્રી ડો. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. સોયલ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમ કે કૃષિ વિભાગ તરફથી ગામના ખેડૂતોને પાક સંરક્ષણના સાધનો, બહેનોને પોષણ કીટનું વિતરણ, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને લાભો અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનોએ છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસની ઝલક દર્શાવતી ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમને અંતે ખેલ મહાકુંભ ૨૦૨૧, વંદે ગુજરાત ચિત્રસ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કલેકટર શ્રી ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આજે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ કોવિડ બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેથી આપણા કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે. દરેક ગ્રામજન કોવિડ બૂસ્ટર ડોઝ લે તે જરૂરી છે.

કાર્યક્રમમાં ધ્રોલ પ્રાંત અધિકારી શ્રી વી. ડી. સાકરીયા, ધ્રોલ તાલુકા મામલતદાર શ્રી ગોહિલભાઈ, ધ્રોલ તાલુકા વિકાસ અધિકારી શ્રી સોજીત્રાભાઈ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી ડી.ડી. જીવાણી, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઠાકરશીભાઈ, ધ્રોલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી કગથરાભાઈ, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી ભીમજીભાઈ મકવાણા, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ, સોયલ ગ્રામ સરપંચ શ્રી હિતેશભાઈ, સોયલ ગ્રામ ઉપસરપંચ શ્રી રાજુભાઇ, સોયલ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી મહેશભાઈ, શ્રી પ્રદીપભાઈ પાલનપુરા, ગ્રામ આગેવાન શ્રી મામદભાઈ, શ્રી પ્રફુલભાઈ દલસાણીયા,  વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, આઈસીડીએસ શાખા અને વન વિભાગના કર્મચારીશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

SOYAL-VILLAGE-PHOTOS-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *