Gujarat

જિલ્લાના દરેક ઘર, કચેરી,  સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોને તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ  

રાજ્યભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી થનાર છે. જેના સુચારૂ આયોજન માટે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથેની બેઠક યોજાઇ હતી. ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનાં આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમના આયોજન અને તેના અમલીકરણ સંદર્ભે રૂપરેખા સાથે અમલીકરણ અધિકારીઓને કલેકટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથો સાથ આ ઉજવણીમાં જિલ્લાનાં વધુમાં વધુ નાગરિકો જોડાય તેવી વહીવટીતંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. 

કલેક્ટરશ્રીએ ‘‘હર ઘર તિરંગા’’ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના કાર્યક્રમનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેના ગર્વની ભાવના વધુ પ્રબળ બને તે હેતુસર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘર, દુકાનો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, ઉદ્યોગ અને વેપારી ગૃહો, ધાર્મિક સ્થળો વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવવામાં આવશે. તેમજ તાલુકા સ્તરની સમિતિઓ દ્વારા મિટિંગ કરી તમામ શહેરીજનો-ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વ સહાય જૂથો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ સંગઠનો વગેરેને આ કાર્યક્રમમાં સહભાગી થવાનો જાહેર અનુરોધ કરી જિલ્લાના ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા ફરકાવવાનું આયોજન સુનિશ્ચિત કરવા તમામ સંબંધિત અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.  

“હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહીર પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી એમ.પી.પડ્યાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામશ્રી રાયજાદા, સર્વે પ્રાંત અધિકારીશ્રી, મામલદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત જિલ્લા સંકલન સમિતીનાં સર્વે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *