વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારીનો આરંભ થઈ ગયો છે. જૂનાગઢ જિલ્લામાંથી ૧૨૭૮ જેટલા બેનરો, પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે.
ચુંટણીપંચ દ્વારા વિધાનસભા ચુંટણી – ૨૦૨૨ની તારીખો જાહેર થતા તા. ૦૩/૧૧/૨૦૨૨નાં રોજ થી સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડેલ છે. જેના અનુસંધાને કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લાના આદર્શ આચારસંહિતાના નોડલ અધિકારી નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી પી.જી.પટેલની અધ્યક્ષતમાં દરેક તાલુકાના આદર્શ આચારસંહિતાના નોડલ અધિકારી તાલુકા વિકાસ અધિકારીશ્રી,નગરપાલિકા વિસ્તારના આદર્શ આચારસંહિતાના નોડલ અધિકારી ચીફ ઓફિસરશ્રી તથા મહાનગર પાલિકાના આદર્શ આચારસંહિતાના નોડલ અધિકારી ડેપ્યુટી કમિશ્નરશ્રી સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના અમલ માટે તમામ વિસ્તારોમાંથી રાજકીયપક્ષના પોસ્ટર,ઝંડાઓ દીવાલ પેન્ટિંગ, પ્રચાર વિગતો વગેરે તાત્કાલિક દુર કરવા સુચના, આદર્શ આચારસંહિતાના ભંગનાં લગતી કોઈપણ ફરિયાદમાં ૧ કલાકની અંદર કાર્યવાહી કરી તેનો રીપોર્ટ કરવા, તેમજ આદર્શ આચારસંહિતાનું તમામ પક્ષ દ્વારા ચુસ્તપણે પાલન થાય તથા સમગ્ર ચુંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે રીતે કામગીરી કરવા તમામ સહ નોડલ અધિકારીને સુચના શ્રી પી. જી. પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જે અનવ્યે જૂનાગઢ જિલ્લામાંથી ૫૯૧ દીવાલ પરના લખાણો, ૩૨૩ પોસ્ટરો, ૧૪૧ બેનરો, ૨૨૩ અન્ય પ્રચારની સામગ્રી ૧૨૭૮ પ્રચાર-પ્રસારની સામગ્રી દુર કરવામાં આવી છે.
તેમજ આદર્શ આચારસંહિતા અંગે કોઇપણ ફરિયાદ હોય તો ગ્રામ્ય વિસ્તાર માટે જે-તે તાલુકાના ટી.ડી.ઓ.શ્રી, નગરપાલિકાના વિસ્તાર માટે ચીફ ઓફિસરશ્રી, જૂનાગઢ મહાનગરપાલિકા માટે ડેપ્યુટી કમિશ્નરશ્રી તેમજ સમગ્ર જિલ્લા માટે નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક કરવા જૂનાગઢના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.
