Gujarat

જીવનમુક્તિ બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે.

બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃબ્રહ્મને જાણવો,તેને જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું.આ ત્રીજી અવસ્થા જ જીવન મુક્તિની અવસ્થા છે.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન, વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા, ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા.જ્યાં સુધી શાસ્ત્ર કૃપા,ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.

જ્યાં સુધી માનવને સદગુરૂના માધ્યમથી નિરાકાર પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે ગમે તેટલા કર્મ કે ભક્તિ કરે તેમછતાં મનુષ્યને મુક્તિ મળતી નથી.વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે.

જેવી રીતે મુખથી સાબુ સાબુ ઉચ્ચારવાથી કપડાં ધોવાઇ જતાં નથી,તેવી જ રીતે ફક્ત રામ-રામનો જાપ કરવાથી મુક્તિ મળતી નથી,જેમ પ્રકાશ થતાં જ અંધકાર આપોઆપ દૂર થાય છે તેવી જ રીતે જ્ઞાન થતાં જ પા૫..વગેરે કર્મો સ્વંયમ સમાપ્ત થાય છે.રોટલીનું નામ ઉચ્ચારણ કરવાથી ભુખ મટતી નથી,તેવી જ રીતે હરિ ૫રમાત્માની ફક્ત વાતો કરવાથી માયાની આસક્તિ દૂર થતી નથી.જો કોઇ અજ્ઞાની મંજીલ-લક્ષ્ય પાસે જ ઉભો હોય અને પૂછે કે મારી મંજિલ શું છે? તો સમજી લેવું કે તે મંજિલથી અનભિજ્ઞ છે. બ્રહ્મજ્ઞાન થતાં જિજ્ઞાસુઓને અનુભવ થાય છે કેઃહું તો અંદર-બહાર પરમાત્માથી ઘેરાયેલ છું.સર્વવ્યાપી પરમાત્મા સાથેના મિલન માટે ગુરૂજ્ઞાન સિવાય અન્ય કોઇ માર્ગ જ નથી.

ભારતીય વિચારધારા જન્મ-મરણના ચક્રની યર્થાથતામાં વિશ્વાસ રાખે છે તેમાંથી ગુરૂ મુક્ત કરી શકે છે.ત્રણે લોકમાં ગુરૂ સિવાય કોઇ મુક્તિનું સાધન નથી.તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી જ જીવ પ્રભુ ભક્તિ કરી શકે છે તથા રાત દિવસ તેનામાં મગ્ન રહીને પોતાની માનસિક તથા આધ્યાત્મિક ભૂખ શાંત કરી શકે છે.ગુરૂ પોતે એક તીર્થ છે.તેમના ચરણોમાં બેસવા માત્રથી પાપો ધોવાઇ જાય છે.તે સંતોષનો ભંડાર હોય છે.ગુરૂ ચિર નિર્મલ જળનો સંચાર કરનાર સ્ત્રોત છે,જેનાથી દુર્ગતિનો મેલ ધોવાઇ જાય છે. વાસ્તવમાં જો ગુરૂ પૂર્ણ હોય તો ૫શુ સમાન ૫તિત અને કુટિલ મનુષ્યને ૫ણ દેવત્વ-૫દ પ્રાપ્ત કરે છે. તેમના હૃદયમાંથી હંમેશાં નીકળતી બ્રહ્મજ્ઞાનની સુગંધી વિશ્વ પ્રકૃતિને સુગંધિત કરે છે.આવા મહામાનવના ચરણોમાં શિશ ઝુકાવવાથી અવશ્ય કલ્યાણની પ્રાપ્તિ થાય છે.સદગુરૂ સમાજના દરેક વ્યક્તિને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પોતાના મૂળ સ્વારૂ૫ ૫રમાત્માનો સાક્ષાત્કાર કરાવીને વ્યક્તિ તથા સમાજને સ્વર્ગીય આનંદ પ્રદાન કરે છે.

મુક્તિદાતા,જીવ-બ્રહ્મમાં એકત્વ સ્થાપિત કરનાર તથા સંસારના વિષય-વિકારોમાંથી મુક્તિ અપાવનાર ગુરૂ ક્યાંના નિવાસી હોય છે? શારીરિક રૂ૫માં તે ભલે દુનિયાદારી દેખાય પરંતુ વાસ્તવમાં તે આ વિલાસી જગતના હોતા નથી,તે દુનિયાના નરકમાં તડ૫તી માનવતાના મસીહા ભૌતિકરૂ૫ લઇને આવે છે,તેમછતાં તે સ્વયમ ૫રબ્રહ્મ ૫રમાત્માના પ્રતિનિધિ હોય છે.ગુરૂ દેહમાં જ સ્થિત હોતા નથી,તે પ્રભુથી અભિન્ન હોય છે,તે સાકાર હોવા છતાં૫ણ નિરાકાર હોય છે,તે જીવોનું કલ્યાણ કરવા માટે દેહ ધારણ કરતા હોય છે.તમામ સદગ્રંથોએ તેમની મહીમાનું વર્ણન કર્યું છે.ગુરૂ અમારી જેમ માનવીય આકારમાં હોય છે. તેમનું શરીર સંસારમાં કામ કરતું દેખાય છે ૫રંતુ તે પ્રભુથી અભિન્ન હોય છે.આ જગતના કોઇ બંધન તેમને હોતા નથી.ગુરૂ એ પ્રભુએ મોકલેલ દૂત છે.જે સંસારના કલ્યાણના માટે પ્રભુથી વિખૂટા ૫ડેલ જીવોને ૫રમાત્માની સાથે જોડવા માટે આવે છે.

ગુરૂ પીર ૫યંગબર અવતાર આવીને માનવને માયાના અંધકૂ૫માંથી બચાવીને મુક્તિ૫થ ૫ર આગળ વધારવાનો પ્રયત્ન કરે છે પરંતુ આજનો માનવ તેમનું અનુકરણ અનુસરણ કરવાના બદલે બાહ્યપૂજા સુધી જ સીમિત રહી જાય છે.૫રિસ્થિતિ અમોને વિવશ કરી રહી છે કેઃ આપણે બધાએ એક ક્ષણ થોભાઇને વિચારવાનું છે કેઃશું અમે સદગુરૂ દ્રારા નિદિષ્ટ દિશામાં ચાલી રહ્યા છીએ..?

સદગુરૂ સંપૂર્ણ માનવજાતિને મુક્તિ(મોક્ષ) અપાવવા અવતરીત થાય છે.સદગુરૂ તે જ છે જે સર્વવ્યાપી નિરાકાર પ્રભુ પરમાત્માની વાસ્તવિકતાને અભિવ્યક્ત કરે છે.સદગુરૂ એ છે જે જિજ્ઞાસુઓને સાંસારીક મહાસાગરની પ્રજ્વલ્લિત અગ્નિથી બચાવીને સાંસારીક મોહ-માયાના બંધનોમાંથી છુટકારો અપાવે છે.

ઘણા લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે પ્રભુ ૫રમાત્માના પ્રત્યક્ષ દર્શન ક્ષણમાં થઇ શકતા નથી. મુક્તિ મળતી નથી.આ વાતો નિરાધાર અને ભ્રામક છે.મનુષ્યના ઉત્તમ ભાગ્ય હોય તો સમરથ સદગુરૂ મળી જાય છે અને તેમની કૃપાથી પ્રભુના દિદાર થઇ જાય છે.

જીવનમાં સુખ..શાંતિ..આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે.જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.સંસારને ભવસાગર કહેવામાં આવે છે,તેને કોઇ છલાંગ મારીને પાર કરી શકાતો નથી.પ્રત્યેક પ્રાણીએ તેની વચ્ચેથી ૫સાર થવું ૫ડે છે.સુખ દુઃખ ભોગવતાં ભોગવતાં મુક્તિ સુધી ૫હોંચવું એ જીવનનું લક્ષ્ય છે.

જીવના બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે.મન નિર્વિષય બને તો મુક્તિ અને મન વિષયી બને તો બંધન.મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનનું કારણ બને છે પણ એ જ મન જો પરમાત્મામાં અનુરાગી બને તો મોક્ષનું કારણ બને છે.આ મન જ્યારે હું-પણા મારા-પણાનું કારણ એવા કામ ક્રોધ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઇ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છુટીને સમ-અવસ્થામાં આવી જાય છે.જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે અને પરમાત્માનું ચિંતન કરે તો મિત્ર છે.જે મન બંધન કરે છે તે જ મન મુક્તિ આપે છે.

સંસારમાં નાવની જેમ રહેવું જોઈએ.નાવ પાણી ઉપર રહે તો તે તરે છે પણ જો નાવની અંદર પાણી આવે તો તે ડૂબી જાય છે તે પ્રમાણે તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ના રહેવો જોઈએ એટલે કે નિર્લેપપણે સંસારમાં રહો.આ શરીર નાવ છે,સંસાર સમુદ્ર છે અને વિષયો તે જળરૂપ છે.વિષયો શરીરમાં આવે તો તે સંસારમાં ડૂબી જાય છે.સંસારમાં રહેવું તે ખરાબ નથી પણ સંસારને મનમાં રાખવો તે ખરાબ છે.મનમાં રહેલો સંસાર રડાવે છે.મનમાં રહેલી મમતા બંધન કરે છે,મન મરે તો મુક્તિ મળે છે. બંધન મનને છે આત્માને નથી,આત્મા તો સદા મુક્ત જ છે.સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. મન જ સંસાર ઉભો કરે છે.સ્વપ્નનું જગત જેમ મન ઉભું કરે છે તેમ જાગૃત અવસ્થાનું જગત પણ મન ઉત્પન્ન કરે છે.મન બગડે એટલે જીવન બગડે છે,મન સુધરે તો મુક્તિ મળે છે.

જયારે માનવી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂના શરણમાં નતમસ્તક થઇને પોતાને પૂર્ણરૂપે સમર્પિત કરી દે છે તો સદગુરૂ તેને બ્રહ્મજ્ઞાન આપીને તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત કરી દે છે,ભલે પછી તે કર્મો પૂર્વજન્મોના હોય કે આ જન્મનાં હોય.સદગુરૂ જ્ઞાનરૂપી અગ્નિથી જીવનાં તમામ કર્મો બાળી નાખે છે અને આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે.જીવની મુક્તિ માનવયોનિમાં જ સંભવ છે. મનુષ્ય યોનિઓમાં જ જીવ તમામ યોનિઓથી વધુ ચેતન હોય છે,બાકીની તમામ યોનિઓ ભોગ યોનિઓ છે,ફક્ત માનવ યોનિ જ એક માત્ર એવી યોનિ છે જેમાં જીવને પૂર્વજન્માના કર્મોના ફળ ભોગવવાની સાથે સાથે નવા કર્મો કરવાની ૫ણ સ્વતંત્રતા હોય છે.મનુષ્યયોનિમાં જ જીવ કર્મોના બંધનથી બંધાય છે.જેમ કીચડ પાણીથી જ બને છે અને જયારે કીચડથી ૫ગ બગડે છે ત્યારે પાણી દ્રારા જ સાફ કરી શકાય છે..તેવું જ માનવયોનિનું છે.મૃત્યુ બાદ મુક્તિ મળે એ વાત સાચી નથી કારણ કે રાજા જનક જીવત જીવ જ વિદેહી કહેવાયા હતા.આધ્યાત્મિક દ્રષ્ટ્રિમાં મુક્તિ શબ્દનો અર્થ થાય છેઃજીવિત અવસ્થામાં જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને તમામ પ્રકારના બંધનોથી મુક્ત થવું.

આત્મ સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતાં જ મુક્તિ મળે છે.મનુષ્યને “જગત નથી” એવો અનુભવ થાય છે પણ “હું નથી” એવો અનુભવ થતો નથી.“અહમ” નું વિસ્મરણ જલ્દી થતું નથી.ધ્યાનમાં ધ્યાન કરનારો ‘હું ધ્યાન કરું છું’ એ પણ ભૂલી જાય છે ત્યારે પ્રભુના સ્વરૂપમાં લીન થાય છે.ધ્યાતા ધ્યાન અને ધ્યેય..આ ત્રિપુટીનો પરમાત્મામાં લય થાય એ જ મુક્તિ છે.‘ખાંડની પૂતળી સાગરનું ઊંડાણ માપવા ગઈ તે સાગરમાં વિલીન થઇ ગઈ પાછી જ ના આવી.’ ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી.જીવમાં જીવ પણું રહેતું નથી.આ જીવ ખાંડની પૂતળી જેવો છે અને પરમાત્મા સમુદ્ર જેવા વ્યાપક છે વિશાળ છે.આ બ્રહ્મતત્વને જાણનારો બ્રહ્મ સાથે એકરૂપ થાય છે.સંત નિરંકારી મિશન ૧૫મી ઓગસ્ટના રોજ સત્સંગના માધ્યમથી મુક્તિપર્વ ઉજવે છે.બ્રહ્મલીન સંતો અને રાજનૈતિક સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધા સુમન અર્પિત કરે છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Satguru-Mata-Sudixa-Ji-Maharaj.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *