સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢની જનતાનો આક્રોશ.
જૂનાગઢમાં મહાનગપાલિકાનાં અધિકારીઓની અણઆવડતને કારણે વિચિત્ર દ્રશ્યો જોવા મળ્યા. વગર ચોમાસે વાહન સ્લીપ થતા હોય અને રાહદારી રસ્તાપર પડતા હોવાની ઘટનાઓ જોવા મળી રહી હતી. પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે રાત્રે જૂનાગઢના મુખ્ય ગણાતા એવા એમજી રોડ તેમજ જવાહર રોડ પર રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું. આ રસ્તા પર લગાવવામાં આવેલ ડામર પીગળતો હોવાના સમાચાર મળી રહ્યા છે. વાહનચાલકોની પણ ફરિયાદ ઉઠી હતી કે, વાહન સ્લીપ થાય છે અને ડામર પણ વાહનનાં ટાયરમાં ચોંટી રહ્યો છે, બીજી તરફ રાહદારીઓને પણ ચાલવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી તેમજ રાહદારીઓના ચપલ તૂટી જવા તેમજ રસ્તા પર પડી જવાની પણ ઘટનાઓ જોવા મળી રહી હતી. ખાસ વેપારીઓ પણ રસ્તાના આ પ્રકારના કામને કારણે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા.
જૂનાગઢના જાગૃત નાગરિક તુષારભાઈ સોજીત્રા દ્વારા આક્રોશ સાથે અનેક સવાલો કર્યો હતા, જૂનાગઢની અવદશા માટે જવાબદાર કોણ? શું જુનાગઢની જનતાએ આજ પરિણામ ભોગવવા માટે સૌથી વધુ બહુમતીથી મત આપ્યા છે? શું જૂનાગઢ મહાનગપાલિકાના લાયકાત વગરના આ અધિકારીઓની લાલ્યાવાડી ચલાવવી જ પડશે? તુષારભાઈ સોજીત્રા દ્વારા જનતાને જાગૃત થવું જ પડશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.
જો કે તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા લેતા સત્વરે ધૂળનો છંટકાવ કરીને આ સમસ્યાનું વૈકલ્પિક નિવારણ તો કરવામાં આવ્યું હતું પરંતુ અહી સવાલએ ઉઠે છે કે જ્યારે કામ ચાલુ હોય ત્યારે તંત્રના કર્મનિષ્ઠ કર્મચારીઓ અને અધિકારીઓ શા માટે ગંભીરતાથી ધ્યાન નહી રાખતા હોય?
જૂનાગઢના મુખ્ય ગણાતા એવા એમ.જી. રોડ તેમજ જવાહર રોડ પર પથરાયેલો ડામર ઓગળીને ચોટતો હોવાની ઘટના હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે, રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અગવડતા પડી રહી હતી. આ પ્રકારની અણઆવડતને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો દ્વારા ખુબજ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
સાગર નિર્મળ
જનતા કી જાનકારી
જૂનાગઢ