Gujarat

જેતપુર ખાતે ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર ના ડાયરેક્ટર ડો.અજીતકુમાર મોહંતીના હસ્તે દેશના પ્રથમ ડાઈ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોસ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત- ગ્રીન ઇન્ડિયા ના અભિયાન અંતર્ગત વૈજ્ઞાનિકોએ જેતપુરમાં કરેલો આ સફળ પ્રયોગ મહત્વનું કદમ છે:ડો.અજીતકુમાર મોહંતી
 જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સહકારથી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો દ્વારા હજુ વધારે કામગીરી કરી પાણીને સંપૂર્ણ શુદ્ધ કરવાની દિશામાં સફળતા પ્રાપ્ત કરાશે
 જેતપુરના ડાય કલરવાળા પાણીમાંથી કલરને અલગ પાડવા રેડિએશનથી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે: બે વર્ષ સુધી થયેલા સંશોધનને અંતે સફળતા મળી: સફળ સંશોધન બદલ જેતપુર ડાઇંગ પ્રિન્ટીંગ એસોસિએશને ભાભા રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર અને વૈજ્ઞાનિકો નો આભાર માન્યો
ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર મુંબઈ દ્વારા આજે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે દેશના પ્રથમ રેડિયેશન ટેક્નોલોજી બેઇઝ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોસ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર ના ડાયરેક્ટર ડો.અજીતકુમાર  મોહંતીએ  કર્યું હતું.
પરમાણુ ઉર્જા રેડિયેશન દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્રાયોગિક પ્લાન્ટ નો પ્રયોગ સફળ થતા પ્લાન્ટમાંથી કલર વાળું પાણી શુદ્ધ થઈને બહાર નીકળતા આ પ્લાન્ટનું લોકાર્પણ કરનાર ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીત કુમાર મોહંતીએ હર્ષ સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત -પ્રદૂષણ મુક્ત ભારત-ગ્રીન ઇન્ડિયા ના અભિયાનમાં આઝાદીના અમૃત મહોત્સવના અવસરે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરીનુ આ એક મહત્વનું કદમ છે. આ ટેક્નોલોજીથી કલર વાળું પાણી શુદ્ધ થવાનું છે અને તેનો રીયુઝ ઇન્ડસ્ટ્રીઝ સહિત બીજા ઘણા હેતુ એ થશે. ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર નું જે મિશન છે તેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે. સેન્ટર દ્વારા બીજા પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેતપુર ખાતે મુકાયેલા આ પ્લાન્ટ પર હજુ વધુ રીસર્ચ થશે.એસોસિએશનના સહયોગથી સંશોધનની કામગીરી આગળ વધશે. તેઓએ આ ટેકનોલોજી વિકસાવનાર વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી જે.એલ.રામોલીયાએ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીત કુમાર મોહંતીનું સ્વાગત કર્યું હતું અને તેઓએ આ કામગીરી માટે અગાઉ પણ જેતપુર વિસ્તારની મુલાકાત લીધી હતી તેને આવકારી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર દ્વારા જેતપુરને આ મહત્વની ભેટ મળી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
જેતપુરના ભાદર નદીના સામા કાંઠે સી.ઇ.પી.ટી સાઇટ પર એસોસિએશનના સહકારથી મુકાયેલા આ પાણીના શુદ્ધિકરણ ના માટેના પ્રાયોગિક બે યુનિટ મૂકવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ કર્યા બાદ બાર્કના ડાયરેક્ટરની હાજરીમાં પાણીનું પૃથક્કરણ કરતા કલર વાળુ પાણી છુટું પડ્યા પછી શુદ્ધ પાણીનું પીએચ લેવલ ૭ ન્યુટ્રલ વેલ્યુ આવતા હવે આર.ઓ દ્વારા પાણી વધુ શુદ્ધ થવાનુ શક્ય બન્યું છે તેમ આ વિષય ઉપર કામ કરનાર ટીમના ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના આર.ટીડીડીના ડો.વાય.કે.ભારદ્વાજે જણાવ્યું હતું. તેઓએ સમગ્ર પ્લાન્ટ ની ટેકનીકલ માહિતી આપતા વધુમાં કહ્યું કે પ્રાકૃતિક પોલીમર સેલુલોજને રેડિએશનથી મોડીફાય કરીને ટેકનોલોજી તૈયાર કરતા કલર વાળા પાણીમાંથી આ યુનિટ કલરને અલગ પાડે છે. બે વર્ષ સુધી કરવામાં આવેલા સંશોધનનુ આ સફળ પરિણામ છે. આ બે યુનિટમાં પ્રતિ યુનિટ 40000 લીટર કલરવાળા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે.જેમ જરૂરિયાત વધશે તેમ ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રની દેખરેખ હેઠળ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સહકારથી આ કામગીરી નો વિસ્તાર વધારવામાં આવશે.
આ પ્રસંગે આઈ પી આર ગાંધીનગર ના ડાયરેક્ટર ડો. શશાંક ચતુર્વેદી, એસોસિએશનના પ્રમુખ શ્રી જેન્તી રામોલિયા, એસ.ડી.એમ. શ્રી જે એન.લીખીયા, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી કે.બી. વાઘેલા, ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના ડો. વિરેન્દ્રકુમાર ડો.નિલાંજલ મિશ્રા,પી.જે.મહેતા તેમજ પીજીવીસીએલના અધિકારીઓ, મામલતદાર શ્રી અધેરા , તેમજ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220502-WA0168.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *