તસ્કરો ક્યાંથી આવ્યા તેનું નિરીક્ષણ કરતા હતા ને અગાશી ઉપર રાખેલા ટાકાંમાંથી દાગીના મળી ગયા
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે સવારે તસ્કરોએ એક ઘરમાં અગાસીએથી ઘરમાં પ્રવેશી તાળું તોડી કબાટમાંથી 20 તોલા સોનાના દાગીના તેમજ વીસેક હજાર રૂપિયાની ચોરી કરી ગયા હતા. વાડી માલિક બહારથી આવ્યા ત્યારે જાણ થઇ કે હાથફેરો થયો છે અને પોલીસને જાણ કરી હતી. એવામાં તસ્કરો ક્યાંથી આવ્યા હશે તેનો તાગ મેળવવા મથતા પરિવારના જ સદસ્યનું અગાસી પર પાણીના ટાંકામાં ધ્યાન ગયું હતું અને પાણીના ટાંકામાંથી દાગીના હેમખેમ મળી આવ્યા હતાં.
જૂની સાંકળી ગામે રહેતા વિજયભાઈ બાંભરોલીયા સવારે પોતાના પરીવાર સાથે વાડીએ ગયા હતાં. અને પરત આવીને જોતા ઘરની ડેલી અંદરથી બંધ હતી. જે ખોલીને અંદર જતાં ઘરના મુખ્ય દરવાજાનો તાળા સાથે આગડિયો ગ્રાઈન્ડર મશીનથી કાપેલો નજરે પડ્યો હતો. અંદર લોખંડના કબાટનો દરવાજો અને તિજોરીનું તાળું બંને તૂટેલા હતા. અને તિજોરીમાં રાખેલા વીસેક હજાર રોકડા તેમજ સોનાનો હાર, ચેઇન, વીંટીઓ, બ્રેસલેટ વગેરે વીસેક તોલા સોનાના દાગીના બોક્ષમાંથી ગુમ હતાં, પરંતુ બોક્ષ ત્યાંને ત્યાંજ પડ્યા હતાં.
દાગીનાની ચોરીમાં કોઈ જાણભેદુ જ હોવાની શંકા સાથે વિજયભાઈએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આવી પ્રાથમિક તપાસ કરી હતી.આ દરમિયાન તેના પિતરાઈ અગાસી પર જઈને તસ્કરો ક્યાંથી આવ્યા તેનું નિરીક્ષણ કરતા હતા તે દરમિયાન તેમનું ધ્યાન અગાસી પર રહેલા પાણીના ટાકામાં પડતાં તેમાં સોનાના દાગીના પડ્યા હતાં. પોલીસની હાજરીમાં જ બધા દાગીનાની ખરાઇ કરી લેવામાં આવી હતી. ચોરાયેલા દાગીના મળી આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. અને ચોરીના બનાવની જાણવા જોગ નોંધ કરાવવા જણાવ્યું હતું.
હરેશ ભાલીયા જેતપુર


