જેતપુરના પીઠડીયા પાસે અજાણ્યા આઈસર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર નવાઝ નામના યુવક પર ટ્રેકના તોતીંગ વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે બાઈક ચાલક ઈમરાન લાખાણીને ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો.
બનાવ અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી.બનાવ અંગેની વિગત અનુસાર નવાગઢ ખાટકી વાડમાં રહેતાં ઈમરાન ઈકબાલ ભાઈ લાખાણી તેની બાઈકમાં તેની બાજુમાં રહેતા નવાઝ રજાકભાઈ કારવા (ઉ.વ.૨૨)ને બેસાડી જેતપુર નજીક આવેલ પીઠડીયા પાસે આવેલ શોલે હોટેલ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવેલ અજાણ્યા આઈસર ચાલકે હડફેટે લેતાં બંન્ને યુવકો ફંગોળાયા હતા. જેમાં નવાઝ કારવા પર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળતાં ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. જયારે બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી બનાવ સ્થળે એકઠા થયેલ લોકોએ ૧૦૮ને જાણ કરી બંન્નેને સીવીલ હોસ્પિટલે ખસેડયા હતાં. જયાં ફરજ પરના તબીબે નવાઝને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં વિરપુર પોલીસ સીવીલે દોડી ગઈ હતી. અને જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવિજ હાથ ધરી હતી.


